– મારી સામે કેમ આંખો કાઢો છો એમ કહેતા પાડોશીએ ઉશ્કેરાઈને ઝઘડો કર્યો
(જ્યશીલ પટેલ,ઝઘડિયા)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ગામે બે પાડોશી વચ્ચેનો ઝઘડો પોલીસ મથક સુધી પહોંચતા એક મહિલા સહિત કુલ ત્રણ સામે ગુનો નોંધાયો હતો. રાજપારડી પોલીસ માંથી મળતી વિગતો અનુસાર અવિધા ગામે રહેતા ૬૫ વર્ષીય યશવંતભાઈ મનોરભાઈ દોશી ગતરોજ સવારના સાડા સાત વાગ્યાના અરસામાં ઘરનો કચરો વાળતા હતા.તે વખતે ઘરની પાસે રહેતા રીતેશ સોમાભાઈ પટેલ તેમની સામે આંખો કાઢતા હતા.તેથી યશવંતભાઈએ મારી સામે કેમ આંખો કાઢે છે, એમ પુછતા રીતેશભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો બોલીને કહેવા લાગેલ કે તારાથી થાય તે કરી લેજે.આમ કહીને તેમની સામે ઝપાઝપી કરવા લાગ્યા હતા.તે સમયે યશવંતભાઈનો દિકરો આશિષભાઇ ત્યાં આવી ગયેલ અને છોડાવવા વચ્ચે પડતા રીતેશભાઇના પિતા અને પત્ની લાકડીનો ડંડો લઈને દોડી આવ્યા હતા.આ ઝઘડા દરમિયાન આશિષને કમરના ભાગે અને હાથ પર લાકડીના સપાટા મારી દીધા હતા.તેમજ યશવંતભાઈને પણ કમરના ભાગે તથા માથાના ભાગે લાકડીના સપાટા માર્યા હતા.યશવંતભાઈ ઈજાગ્રસ્ત થતા તેમને માથા માંથી લોહી નીકળવા લાગ્યું હતું.ઈજાગ્રસ્ત યશવંતભાઈને અવિધા સરકારી દવાખાને સારવાર માટે લઈ જવાયા હતા.ત્યાર બાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા.ઘટના સંદર્ભે રાજપારડી પોલીસે યશવંતભાઈ દોશી રહે.ગામ અવિધાની ફરિયાદ મુજબ રીતેશ સોમાભાઈ પટેલ,સોમાભાઈ મુળજીભાઈ પટેલ તથા કોમલબેન રીતેશભાઈ પટેલ ત્રણેય રહે.ગામ અવિધા તા.ઝઘડિયા જિ.ભરૂચના વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.




