(સંજય પટેલ) જંબુસર,
જે.એમ.શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા તાજેતરમાં વાર્ષિકોત્સવનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ખજાનચી અજયભાઈ ભંડારી ઉપસ્થિત રહ્યા હતા.કેમ્પસ ડિરેક્ટર મહેશભાઈ ગાંધી તથા પ્રિન્સિપાલ ડૉ.કે.એમ.પ્રજાપતિની વિશેષ ઉપસ્થિતિએ કાર્યક્રમને ગૌરવ આપ્યું હતું.
કાર્યક્રમ દરમ્યાન કુલ 148 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને વિવિધ ક્ષેત્રો જેમાં યુનિવર્સીટીમાં વિવિધ વિષયોમા પ્રથમ આવનાર,કોલેજ કક્ષાએ દરેક વર્ષમાં પ્રથમ આવનાર એફ.વાય થી ટી વાય બીએ અને બીકોમ તથા અનુસ્નાતક વિભાગમાં પ્રથમ વર્ષ અને દ્વિતિય વર્ષમાં પ્રથમ આવનારા તમામ વિદ્યાર્થીઓને તેમના શ્રેષ્ઠ પ્રદર્શન બદલ શીલ્ડ, મેડલ અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા.વિવિધ પ્રકારની કોલેજ કક્ષાએ ચાલતી વિવિધ ધારાઓમાં, શૈક્ષણિક, સાંસ્કૃતિક, રમતગમત, તેમજ એન.એસ.એસ વિભાગમાં સારો દેખાવ બદલ, ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.આ સહિત પ્રોફેસર મહેન્દ્રભાઈ પટેલ તથા જય દેવીબેન જોશી આગામી સમયમાં રિટાયર્ડ થવાના હોય આચાર્ય તથા ઉપસ્થિત મહેમાનોને હસ્તે પુષ્પગુચ્છ આપી સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા.
મુખ્ય અતિથિ અજયભાઈ ભંડારીએ પોતાના સંબોધનમાં વિદ્યાર્થીઓને જીવનમાં મહેનત, પ્રામાણિકતા અને સંસ્કારનું મહત્વ સમજાવ્યું હતું.કેમ્પસ ડિરેક્ટર મહેશભાઈ ગાંધી અને પ્રિન્સિપાલ ડૉ.કે.એમ.પ્રજાપતિએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમની ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
કાર્યક્રમનું સુંદર સંચાલન ડૉ.મહેન્દ્ર આર. પટેલ અને પ્રોફ. ડી.આર.પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.અંતે પ્રોફ. ડી.આર.પટેલ દ્વારા આભારવિધિ વ્યક્ત કરી તમામ મહાનુભાવો, પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ તથા સહયોગીઓનો આભાર માનવામાં આવ્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર અને સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.




