– ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી રહ્યા ઉપસ્થિત : 42 ગામના લાભાર્થીઓએ લીધો લાભ
ભરૂચ,
ભરૂચ જિલ્લામાં સરકારની વિવિધ યોજનાઓ અને જરૂરી દસ્તાવેજોનો લોકોને મહત્તમ લાભ મળી રહે તે માટે દીપક ફાઉન્ડેશન દ્વારા અમલીકૃત પ્રોજેક્ટ સંગાથ હેઠળ સ્ટેકહોલ્ડર ડિસેમિનેશન સેમિનાર યોજવામાં આવ્યો હતો.
દીપક ફાઉન્ડેશન દ્વારા અમલમાં મુકાયેલા પ્રોજેક્ટ “સંગાથ” ના સિદ્ધિઓ રજૂ કરવા માટે હિતધારક પ્રસાર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ ભરૂચ જિલ્લામાં આવેલા વાગરા અને ભરુચ તાલુકાના વંચિત અને અનુસૂચિત વર્ગના લાભાર્થીઓને વિવિધ શાસકીય યોજનાઓ તથા આવશ્યક દસ્તાવેજ સેવાઓનો મહત્તમ લાભ પ્રાપ્ત થાય તે સુનિશ્ચિત કરવાનો છે.આ સેમિનારનું આયોજન યોગેશ કાપસે (IAS), માનનીય જિલ્લા વિકાસ અધિકારી ભરૂચની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
પ્રોજેક્ટ “સંગાથ” ની શરૂઆત દીપક ફાઉન્ડેશન દ્વારા ભારતના ત્રણ રાજ્યોમાં 21 સ્થળોએ કરવામાં આવી હતી.હાલ આ પ્રોજેક્ટ બે રાજ્યોમાં 17 સ્થળોએ કાર્યરત છે.આ પહેલ અંતર્ગત વાગરા અને ભરુચ તાલુકાના 42 ગામોમાં શાસકીય યોજનાઓ અંગે જાગૃતિ વધારવા તથા જાહેર સેવા ઓ સુધી પહોંચ મજબૂત બનાવવા માટે સતત કાર્ય કરવામાં આવ્યું છે. પ્રોજેક્ટ છેલ્લા પાંચ વર્ષથી દીપક ગ્રુપ ઓફ કંપનીઝના CSR ઉપક્રમ હેઠળ અમલમાં મુકાયો છે.
પ્રોજેક્ટ “સંગાથ” ની શરૂઆતથી આજદિન સુધી ભારતભરમાં 1.30 લાખથી વધુ પરિવારો અને 3.20 લાખથી વધુ વ્યક્તિઓ આવરી લેવામાં આવ્યા છે. ઉપરાંત, શાસકીય યોજનાઓ અને જરૂરી દસ્તાવેજો માટે અંદાજે 8.40 લાખ અરજીઓ માટે સહાયતા પૂરી પાડવામાં આવી છે, જેમાંથી આશરે 92% અરજીઓ વિવિધ શાસકીય વિભાગો દ્વારા મંજૂર કરવામાં આવી છે.યોજનાઓ સાથે જોડાણ થકી લાભાર્થીઓને કુલ ₹128 કરોડથી વધુના લાભ મળ્યા છે.
ખાસ કરીને ભરૂચ જિલ્લામાં, પ્રોજેક્ટ “સંગાથ” અંતર્ગત વાગરા અને ભરૂચ તાલુકાના 42 ગામોમાં 13,000થી વધુ પરિવારો અને 41,000થી વધુ લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે.શાસકીય યોજનાઓ અને આવશ્યક દસ્તાવેજો માટે 1.10 લાખથી વધુ અરજીઓ માટે સહાયતા પૂરી પાડવામાં આવી છે, જેમાંથી આશરે 96% અરજીઓ વિવિધ શાસકીય વિભાગો દ્વારા મંજૂર કરવામાં આવી છે. યોજનાઓ સાથે જોડાણ થકી લાભાર્થીઓને રોકડ સહાય, વસ્તુ સ્વરૂપે સહાય અને વીમા યોજનાઓ સહિત કુલ ₹624 કરોડથી વધુના લાભ પ્રાપ્ત થયા છે.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેની ઉપસ્થિત રહ્યા હતા.ઉપરાંત જનરલ મેનેજર કોર્પોરેટ અફેર્સ નિર્મલસિંહ યાદવ, દીપક ગ્રુપ ઓફ કંપનીઝ તેમજ કંપનીના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમ્યાન દીપક ફાઉન્ડેશનના સોશિયલ રિસર્ચ, ડેવલપમેન્ટ એન્ડ ઈનોવેશન (SRDI) વિભાગની વડા સ્મિતા મનિયાર દ્વારા પ્રોજેક્ટ અંગે વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી.
આ પ્રસંગે ભરૂચ જિલ્લાના વિવિધ શાસકીય વિભાગોના અધિકારીઓ અને પ્રતિનિધિઓ,વાગરા અને ભરૂચ તાલુકાના અધિકારીઓ,ગામોના તલાટી-કમ-મંત્રીઓ દીપક ફાઉન્ડેશનના મુખ્ય કચેરી તેમજ ભરૂચ અને અંકલેશ્વર શાખાના સ્ટાફ સભ્યો, પ્રોજેક્ટ “સંગાથ” ના લાભાર્થીઓ હાજર રહ્યા હતા.




