– તાલુકા પંચાયત દ્વારા નવી એજન્સીને કામ સોપાયા બાદ પુરતા નાણાં હોવા બાદ પણ કામ કરવાની અને કરાવવાની ઝઘડિયા તાલુકા પંચાયતની દાનત નથી તે સ્પષ્ટ જણાય છે
– તાલુકા પંચાયતના સદસ્ય વિશાલ પટેલ દ્વારા વીસ થી વધુ વખત તાલુકા વિકાસ અધિકારીને કામ પૂર્ણ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે પરંતુ પરિણામ શૂન્ય
(જ્યશીલ પટેલ, ઝઘડીયા)
ઝઘડિયા તાલુકા પંચાયત દ્વારા તાલુકા ભરમાં મનરેગા યોજના હેઠળ વિવિધ કામો જેવા કે પંચાયત કચેરીનું બાંધકામ, સી.સી.રોડ, મેટલિંગ,વરસાદી કાંસ નું કામ વિગેરે કરવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ એ હોય છે કે સ્થાનિકોને રોજગારી મળી રહે પરંતુ જે પ્રમાણે દાહોદ અને ભરૂચમાં મનરેગા યોજનાના કામોમાં જે ભ્રષ્ટાચાર બહાર આવી રહ્યો છે તે જોતા એમ લાગે છે કે મનરેગા યોજનાનો ભ્રષ્ટાચાર દાહોદ ભરૂચ થઈ વાયા ઝઘડિયા પણ આવી રહ્યું છે! ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગ્રામ પંચાયતની કચેરીનું બાંધકામ મનરેગા યોજના હેઠળ લગભગ ૨૦૨૨ દરમિયાન તાલુકા પંચાયત દ્વારા જે તે માન્ય સરકારી કોન્ટ્રાક્ટરને કામ સોંપી શરૂ કરાવવામાં આવ્યું હતું.શરૂઆતના કામ શરૂ થયા ના બે વર્ષ દરમિયાન ફક્ત સાત ફૂટ (લીંગટલ લેવલ) જેટલું જ કચેરીનું બાંધકામ થયું હતું અને ગોકળ ગાયની ગતિ ચાલતું કામ બંધ થઈ ગયું હતું.ત્યાર બાદ સ્થાનિકોની રજૂઆતના પગલે ફરીથી ગત વર્ષે આ અધૂરૂ પડેલું કામ જે તે કોન્ટ્રાક્ટર દ્વારા ફરીથી શરૂ કરવામાં આવ્યું હતું. ફરીથી શરૂ થયેલું કામ અધુરૂ મુકી ફરીથી બંધ કરવામાં આવ્યું હતું અને આજની પરિસ્થિતિ એ કામ પણ અધૂરૂ જ પડેલું છે,વર્ષ ૨૦૨૨ માં જે કોન્ટ્રાક્ટરને કામ સોંપવામાં આવ્યું હતું તે કોન્ટ્રાક્ટર હાલમાં આ કામ અધૂરૂ મૂકીને ક્યાં પલાયન થઈ ગયો છે તે ઝઘડિયા તાલુકા પંચાયતના જવાબદાર અધિકારીઓને પણ ખબર નથી ? સરકાર માન્ય કોન્ટ્રાક્ટરો જ સરકારી કામોમાં આવી લાલિયાવાડી ચલાવી રહ્યા છે,ચાર વર્ષના સમયગાળા દરમિયાનમાં ગ્રામ પંચાયત કચેરીનું કામ તેની સમય મર્યાદામાં પૂર્ણ નહીં કરવામાં આવતા તેમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાય આવે છે,છેલ્લા ચાર વર્ષથી રાણીપુરા ગ્રામ પંચાયતના તલાટી સરપંચ અને સભ્યો કચેરી વગર એક નાની રૂમમાં પોતાનું કામકાજ ચલાવી રહ્યા છે,પંચાયત દ્વારા યોજવામાં આવતી માસિક મીટીંગો દરમ્યાન તલાટી સરપંચ ઉપ સરપંચ અને સભ્યોને બેસવાની પણ અગવડ પડે છે,ઉપરાંત પોતાના કામ અર્થે આવતા ગ્રામજનોને પણ અવ્યવસ્થાનો ભોગ બનવું પડે છે, જેથી રાણીપુરા ગ્રામ પંચાયતની કચેરીનું મનરેગા યોજના હેઠળનું જે કામ અટકી પડ્યું છે તેની તપાસ થાય તો દાહોદ અને ભરૂચ જેવી મનરેગા યોજનાની ગોબાચારી સામે આવી શકે તેમ છે!ઝઘડિયા તાલુકા પંચાયતના સદસ્ય વિશાલ પટેલ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને રૂબરૂ મળી 20 થી વધુ વખત અત્યાર સુધીમાં રાણીપુરા ગ્રામ પંચાયત કચેરીનું કામ પૂર્ણ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે પરંતુ આજ દિન સુધી તે કામ ફરી શરૂ થયું નથી,ઝઘડિયા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી દ્વારા રાણીપુરા ગ્રામ પંચાયતનું અધૂરું કામ પૂર્ણ કરવા માટે નવી એજન્સી પણ નિયુક્ત કરવામાં આવી છે અને આ કામ પૂર્ણ કરવા માટે પૂરતું નાણાં ભંડોળ પણ તાલુકા પંચાયત ઝઘડિયા પાસે છે પરંતુ રાણીપુરા ગ્રામ પંચાયત કચેરીનું કામ પૂર્ણ કરવામાં તાલુકા પંચાયતના અધિકારી કે તાલુકા વિકાસ અધિકારીને પણ રસ નથી તે સ્પષ્ટ જણાઈ આવે છે અને આ મંનરેગાના કામમાં પણ મોટું કૌભાંડ હોય એવું સ્પષ્ટ થઈ રહ્યું છે.




