અંધારાંને દૂર કરી અજવાળાં વચ્ચે રહેવાનું,સૌના હિતમાં સારું કરવા વાળા વચ્ચે રહેવાનું : નૈષધ મકવાણા

SHARE:

– સેલંબા હાઈસ્કૂલમાં શિક્ષકનો ભવ્ય નિવૃત્તિ સન્માન કાર્યક્રમ યોજાયો

ભરૂચ,

કોઈ નિષ્ઠાવાન શિક્ષકની વયનિવૃત્તિના પ્રસંગે ફક્ત શાળા જ નહીં પણ આખું ગામ ભેગું થાય અને શિક્ષકનું ભવ્ય સન્માન થાય એવી ઘટના ઓછી બનતી હોય છે.

ઝોન કક્ષા અને રાજ્ય કક્ષાએ અન્ય જિલ્લાઓમાં વિવિધ પ્રકારની તાલીમ લેનાર શિક્ષક મોહનભાઈ રોહિતે શિક્ષકોની ‘કર્મ યોગી’ તાલીમ હોય,વિષય શીખવવાની પદ્ધતિ વિષયક તાલીમ હોય, કે શિક્ષકોને અપાતી વિવિધ શૈક્ષણિક તાલીમના તજજ્ઞ તરીકે ત્રીસ વર્ષ કાર્યરત રહ્યા.એક આદર્શ શિક્ષકની ઉદાહરણરૂપ સેવા આપીને નિવૃત્ત થયા અને નર્મદા જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ માં કેટલોક સમય કોષાધ્યક્ષ જેવી મહત્વની જવાબદારી પણ નિભાવી.

શ્રી સેલંબા એજયુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટી ટ્રસ્ટ સંચાલિત સેલંબા હાઈસ્કૂલમાં સળંગ ત્રીસ વર્ષ સેવા આપી અને તે અગાઉ છોટાઉદેપુર જિલ્લામાં આદર્શ નિવાસી શાળામાં બે વર્ષ ફરજ બજાવી.

સેલંબા હાઈસ્કૂલના આચાર્ય ડી.જે.પટેલ તથા અન્ય શિક્ષકોના સુચારુ આયોજનથી યોજાયેલ આ સન્માન કાર્યક્રમમાં જાણીતા સાહિત્યકાર અને નિવૃત્ત જિલ્લા શિક્ષણાધિકારી નૈષધ મકવાણાએ ઊપસ્થિત રહીને ગુજરાત બોર્ડની પરીક્ષાઓ આપનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક વક્તવ્ય આપ્યું હતું અને નિવૃત્ત થનાર શિક્ષક મોહનભાઈને હવે પછીનું જીવન સમાજ સેવામાં વ્યતીત થાય તથા નિરામય સ્વાસ્થ્ય રહે એવી શુભેચ્છાઓ આપીને પોતાની પ્રેરક કવિતા પણ સંભળાવી હતી.તાલુકા પંચાયત પ્રમુખ ચંપાબેન વસાવાએ પણ મોહનભાઈ રોહિતની શિક્ષણ સેવાની નોંધ લઈને બિરદાવી હતી.

શ્રી સેલંબા એજયુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટના મંત્રી થદારામ મહેતાની (બોબી શેઠ),ઝવેરીમલ શેઠ, ઈશ્વરભાઈ પવાર, વિષ્ણુ ભાઈ અગ્રવાલ,તેમજ સંચાલક મંડળના સર્વ હોદ્દેદારો અને સેલંબા વેપારી મંડળના હોદ્દેદારો ઊપસ્થિત રહીને મોહનભાઈનું સન્માન કર્યું હતું. 

આ સાથે સાગબારા કેળવણી મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ,મંત્રી અને તમામ હોદ્દેદારો સહિત ૧૦૫ વર્ષના મંડળના આદ્યસ્થાપક અને પૂર્વ પ્રમુખ જેઠાભાઈ વસાવા (જેઠાકાકા) પણ ખાસ ઊપસ્થિત રહીને શુભેચ્છાઓ આપી હતી.સાગબારાના ડોક્ટર દયારામભાઈ વસાવાની હાજરી સહિત તાલુકની અન્ય શાળાઓના આચાર્યઓ તથા શિક્ષકો સહિત બીઆરસી,સીઆરસી,તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને અન્ય પરિચિત મિત્ર વર્તુળની ઊપસ્થિતિ થકી કાર્યક્રમ શોભાયમાન રહ્યો હતો.

નિવૃત્ત થનાર શિક્ષક મોહનભાઈ રોહિતના સર્વ પરિવાર જનો તથા સગા સંબંધીઓ પણ સન્માન કરવા માટે ઊપસ્થિત રહ્યા હતા.આમ સેલંબા હાઈસ્કૂલના પ્રાંગણમાં કહો કે આખું ગામ ઉમટી પડ્યું અને નિષ્ઠાપૂર્વક સેવા કરનાર અદના શિક્ષકને આદરભાવ સાથે વિદાય આપી હતી.

આ પ્રસંગે શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો.સરકાર દ્વારા શિક્ષકનું સન્માન તો થાય છે પણ સમાજ અને ગામ લોકો દ્વારા શિક્ષકનું ભવ્ય સન્માનનો કાર્યક્રમ એક પ્રેરક અને આવકારદાયક કાર્યક્રમ યોજાઈ ગયો.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!