– ગાયોના માલિકે કોઈ નુકશાનકારક વસ્તું ખાવાથી અથવા પાણી પીવાથી ગાયોના મોત થયા હોવાની શંકા વ્યક્ત કરી
– જીઆઈડીસીની વિવિધ કંપનીઓ દ્વારા જાહેરમાં છોડવામાં આવતા પ્રદુષિત પાણીના મુદ્દે પણ સવાલો ઉઠ્યા
(જયશીલ પટેલ, ઝઘડિયા)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે આવેલ જીઆઈડીસીની વિવિધ કંપનીઓ દ્વારા અવારનવાર જાહેરમાં પ્રદુષિત પાણી છોડાતું હોવાની વાતે ઘણીવાર વિવાદો ઉભા થતા હોવાની વાતો જગજાહેર છે,જાહેરમાં છોડાતું પ્રદુષિત પાણી ખાડીઓના પાણી સાથે ભળતા ખાડીઓનું જળ પણ પ્રદુષિત થાય છે,આ પ્રદુષિત પાણીના કારણે નજીકના ખેતરોની ફળદ્રુપતા ઘટતી હોય છે,તેમજ આ પાણી પાલતું તેમજ અન્ય પ્રાણીઓના પીવામાં આવતા તેમના મોત પણ થતા હોય છે,વળી પ્રદુષિત પાણી ખાડીઓમાં વહેતા ઘણીવાર માછલાઓના પણ મોત થાય છે,ત્યારે ગતરોજ તા.૨૭ મીના રોજ દધેડા ગામના એક પશુપાલકની નવ ગાયોના એકસાથે સ્થળ ઉપર મોત થતા આ મુદ્દે લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે.દધેડા ગામના રામજીભાઈ ભરવાડની ગાયો જીઆઈડીસીમાં ઝાડવાવાળી જગ્યામાં ચરતી હતી તે દરમિયાન નવ ગાયોના મોત થયા હતા. પશુપાલકે ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકમાં લખાવેલ જાણવાજોગ ફરિયાદમાં કોઈ નુકશાનકારક વસ્તું ખાવાથી અથવા પ્રદુષિત પાણી પીવાના કારણે ગાયોના મોત થયા હોવાની શંકા વ્યક્ત કરી હતી. ઝઘડિયા જીઆઈડીસી પોલીસ દ્વારા મૃત ગાયોના પીએમ કરાવીને ગાયોના મોત બાબતે તપાસ હાથધરી હતી.ત્યારે કઈ કંપની દ્વારા પ્રદુષિત પાણી જાહેરમાં છોડાયું હતું તે બાબતે તાલુકાની જનતામાં વિવિધ ચર્ચાઓએ વેગ પકડ્યો હતો. ઉલ્લેખનીય છેકે અગાઉ પણ પ્રદુષિત પાણી પીવાના કારણે સાગમટે ૧૪ જેટલી ગાયોના મોત થયા હતા.હિન્દુ ધર્મમાં ગાયનું સ્થાન ધાર્મિક દ્રષ્ટિએ ખુબ મોટું મનાય છે,ત્યારે જીઆઈડીસીમાં એકસાથે નવ ગાયોના મોત થતા લોકોમાં રોષ ફેલાયો છે અને એકસાથે નવ ગાયોના મોત થવાની ઘટનાને લઈને ગૌરક્ષકો પણ અસરકારક ભુમિકા અપનાવવા આગળ આવે અને આ ઘટનામાં જીઆઈડીસીની કોઈ કંપની કસુરવાર જણાય તો તેના કડક કારવાઈ કરવામાં આવે તેવી માંગ પણ લોકોમાં ઉઠવા પામી છે.




