– આમોદ પાલિકાના મુખ્ય અધિકારીએ ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથધરી
ભરૂચ,
આમોદ પાલિકામાં ૧૨ વર્ષ અગાઉ નિર્મળ ગુજરાત શૌચાલય યોજના હેઠળ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૧૩ થી વર્ષ ૨૦૧૬ સુધી આમોદ નગરમાં ૧૩૮૧ શૌચાલય બનાવવામાં આવ્યા હતા. જે બાબતે સરકારમાં ફરિયાદ થતા સરકાર તરફથી કસૂરવારો સામે તવાઈના એંધાણ વર્તાઈ રહ્યા છે તેવા સમયમાં જ આમોદ નગરપાલિકા કચેરી ખાતેથી શૌચાલય કૌભાંડની ફાઇલ ગૂમ થતાં આમોદ નગરમાં અનેક તર્ક વિતર્ક કરવામાં આવી રહ્યા છે.ત્યારે આમોદ પાલિકાના મુખ્ય અધિકારીએ આમોદ પોલીસ મથકે શૌચાલય કૌભાંડની ફાઈલ ગૂમ થઈ હોવાની ફરિયાદ અપાતા પોલીસે તપાસ હાથધરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે નિર્મળ ગુજરાત યોજના અંતર્ગત ગરીબોના ઘરે ઘરે શૌચાલય બને બીમારીઓ ના ફેલાઈ તે વિઝનથી યોજના અમલમાં આવી હતી.પરંતુ તત્કાલીન પાલિકાના શાસકોએ ગરીબોના શૌચાલયમાં પણ ખાયકી કરી હલકી કક્ષાના શૌચાલય બનાવી ગરીબો સાથે ક્રૂર મજાક કરી સરકારના લાખો રૂપિયા ચાઉં કરી ગયા હતા.નિર્મળ ગુજરાત અંતર્ગત બનાવવા માટે વર્ષ ૨૦૧૩ થી વર્ષ ૨૦૧૬ સુધી કુલ સાત એજન્સીઓ શૌચાલયનું કામ કર્યું હતું.જેમાં ત્રણ પ્રમુખો ચાર મુખ્ય અધિકારીઓ તેમજ ત્રણ ઈજનેરો સહિત સાત એજન્સીઓનું શૌચાલય કૌભાંડમાં નામ હોવાથી ફાઈલ ગૂમ થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.ત્યારે પોલીસ તપાસમાં કોના દ્વારા ફાઇલ ગૂમ કરવામાં આવી તેની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.




