ભરૂચ જિલ્લાના તમામ ૯ તાલુકાઓમાં ૧૮૧ લાખના ખર્ચે આધુનિકીકરણ સાથે જનસેવા કેન્દ્રોનો કાયાકલ્પ

SHARE:

– વહીવટમાં ટેકનોલોજીનો સમન્વય : ભરૂચના ૯ તાલુકાઓમાં જનસેવા કેન્દ્રોનું અપગ્રેડેશન
ભરૂચ,
ગુજરાત રાજ્ય હંમેશા ‘ગવર્નન્સ’ અને ‘ટેકનોલોજી’ના સમન્વય દ્વારા સુશાસન સ્થાપવામાં દેશભરમાં અગ્રેસર રહ્યું છે. આ જ પરંપરાને આગળ ધપાવતા, “સરકાર તમારા દ્વારે”ના મંત્રને વાસ્તવિકતામાં ચરિતાર્થ કરવા અને નાગરિકોને પારદર્શક તેમજ ત્વરિત સેવાઓ તેમના ઘરઆંગણે પૂરી પાડવાના મક્કમ નિર્ધાર સાથે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નવતર પહેલ કરવામાં આવી છે.જે અંતર્ગત કલેક્ટર કચેરી સહિત આમોદ, હાંસોટ અને ઝઘડિયા મામલતદાર કચેરી ખાતે આદર્શ જનસેવા કેન્દ્રોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ આધુનિક કેન્દ્રોનું લોકાર્પણ આગામી પ્રસ્તાવિત તારીખ ૧૪મી માર્ચના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે થનારું છે.વર્તમાન સમયમાં ટેકનોલોજીના આધુનિકીકરણને પ્રાધાન્ય આપી, નાગરિકોની અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ થાય અને લોકોને સત્વરે સેવાઓ મળી રહે તે હેતુથી જિલ્લાના તમામ ૯ તાલુકાઓમાં મહેસૂલ વિભાગ હસ્તકના જનસેવા કેન્દ્રોને ‘હાઈ-ટેક’ બનાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ તમામ ૯ તાલુકાના જનસેવા કેન્દ્રો માટે કુલ રૂ.૧૮૧ લાખની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે.
આ આધુનિકીકરણના પરિણામે હવે સામાન્ય જનતાને એક જ સ્થળેથી ડિજિટલ માધ્યમ દ્વારા તમામ પ્રજાલક્ષી યોજનાઓનો લાભ અત્યંત સરળતાથી પ્રાપ્ત થશે.વહીવટી તંત્રનો આ નવતર અભિગમ ભરૂચ જિલ્લામાં સુશાસન અને ડિજિટલ ગવર્નન્સના નવા આયામો પ્રસ્થાપિત કરશે, જેનાથી નાગરિકોની સુવિધામાં અભૂતપૂર્વ વધારો થશે.પ્રથમ તબક્કામાં ભરૂચ (ગ્રામ્ય), વાગરા અને જંબુસર ખાતે અદ્યતન કેન્દ્રોનું લોકાર્પણ જનપ્રતિનિધિઓની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. જ્યારે બીજા તબક્કામાં કલેક્ટર કચેરી ભરૂચ, ઝઘડિયા, હાંસોટ અને આમોદ તાલુકા મથકો ખાતે સંભવિત આગામી તા.૧૪મી માર્ચ ૨૦૨૬ના રોજ આદર્શ જનસેવા કેન્દ્રોનું લોકાર્પણ માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે થશે. આ નવનિર્મિત કેન્દ્રોમાં હવે એક જ છત નીચે ૭/૧૨ અને ૮-અ ના ઉતારા, જાતિના દાખલા, રેશનકાર્ડ, આધાર કાર્ડ અને ઈ-ધરા જેવી પાયાની સેવાઓ અત્યંત સરળતાથી ઉપલબ્ધ બની છે.
વહીવટી તંત્ર દ્વારા માત્ર ટેકનોલોજી જ નહીં, પરંતુ માનવીય અભિગમ અને પર્યાવરણ જતનને ધ્યાને રાખીને પણ અનેક નવીન પહેલ કરવામાં આવી છે. ભરૂચ અને જંબુસર ખાતે ‘મારી યોજના પોર્ટલ હેલ્પ ડેસ્ક’નો શુભારંભ કરાયો છે. આ ડેસ્કના માધ્યમથી અરજદારોને તેમના વ્યક્તિગત માપદંડો મુજબ કઈ યોજનાનો લાભ મળી શકે અને કયા દસ્તાવેજોની જરૂર પડશે, તેની સચોટ માહિતી એક જ સ્થળેથી ત્વરિત મળી રહેશે. આ વ્યવસ્થાને કારણે નાગરિકોનું માર્ગદર્શન વધુ સરળ અને સમયબદ્ધ બનશે.
વિશેષરૂપે જંબુસર તાલુકાના જનસેવા કેન્દ્રમાં માતૃત્વનું સન્માન કરતા બાળકો માટે ‘ઘોડિયા ઘર’ની સુવિધા ઊભી કરવામાં આવી છે. તેવી જ રીતે, વાગરા ખાતે સુશાસન દિવસ નિમિત્તે નિર્માણ પામેલા અદ્યતન ‘કેફે જનસેવા’, ઈ-ધરા કેન્દ્ર, મીટિંગ હોલ અને ‘જનસેવા વન’નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે વિવિધ સંસ્થાઓના સહયોગથી તૈયાર થયેલું ‘કેફે જનસેવા’ નાગરિકોને સરકારી કચેરીમાં સુવિધાયુક્ત અને હકારાત્મક વાતાવરણ પૂરું પાડે છે. આમ ભરૂચ જિલ્લા વહીવટી તંત્રની આ સંવેદનશીલ અને આધુનિક કાર્યપદ્ધતિ છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવાનું સબળ માધ્યમ બની છે. આવી જ તમામ આધુનિક સુવિધાઓથી કલેક્ટર કચેરી ભરૂચ,ઝઘડિયા, હાંસોટ અને આમોદ તાલુકા મથકોના આદર્શ જનસેવા કેન્દ્રો પણ કાર્યરત થનારા છે.
આમ ટેકનોલોજીના માધ્યમથી વહીવટમાં પારદર્શિતા અને માનવીય અભિગમ સાથે સેવાની સુવાસ પ્રસરાવીને ભરૂચ જિલ્લા વહીવટી તંત્રએ ‘સુશાસન’ના મંત્રને ખરા અર્થમાં ચરિતાર્થ કર્યો છે. છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવાની આ કટિબદ્ધતા આગામી સમયમાં સમગ્ર ભરૂચ જિલ્લા માટે એક પ્રેરણાદાયી મોડેલ સાબિત થશે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!