– પરિક્રમા દરમ્યાન દેશભરના શ્રદ્ધાળુઓ માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ : ગત વર્ષે શ્રધ્ધાળુઓની સંખ્યા ૧૦ લાખથી વધુ પહોંચીહતી
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ગુજરાતમાં દર વર્ષે ફાગણ વદ અમાસથી ચૈત્ર વદ અમાસ સુધી એક મહિના દરમિયાન યોજાતી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા ધાર્મિક આસ્થાનું અનોખું પ્રતિક બની રહી છે.આવતીકાલથી ૩૦ દિવસ સુધી ચાલતી આ પરિક્રમાનો ગરમીને કારણે મોડી રાતથી જ પ્રારંભ થશે જેની તંત્રએ તડામાર તૈયારીઓ કરી છે.કલેકટરે આજે પરિક્રમાં માર્ગનું અને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરા ઘાટ, કીડી-મંકોડી ઘાટ થી નર્મદા પરિક્રમાનો તા.19મી માર્ચથી પ્રારંભ થશે.આ પરિક્રમા સમગ્ર ચૈત્ર મહિનો (એક મહિના સુધી) એટલે કે તા.17મી એપ્રિલ સુધી ચાલશે. આ ૧૪ કિ.મી.ની યાત્રાના પ્રારંભ પૂર્વે જિલ્લા કલેક્ટર એસ. કે. મોદીએ રામપુરા ઘાટ ખાતે પહોંચીને શ્રદ્ધાળુઓ માટે ઊભી કરવામાં આવેલી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. બોટ માટે જેટી, ડોમ, બેરીકેટિંગ, આરોગ્ય અને પાણીની સુવિધા, સાવચેતી તથા દિશા સૂચક બોર્ડ સહિત બીજી ઊભી કરવામાં આવેલી વ્યવસ્થાઓ નિહાળીને અમલીકરણ અધિકારીઓ તથા એજન્સીના પ્રતિનિધિઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતુ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પરિક્રમાર્થીઓ માટે હજારોની સંખ્યામાં સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે.શ્રદ્ધાળુઓની સતત વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને વર્ષ ૨૦૨૫-૨૬ માટે કરોડના ખર્ચે હંગામી વ્યવસ્થાઓને વધુ મજબૂત બનાવવામાં આવી છે.
આ અંતર્ગત ડોમ શેલ્ટર, મોબાઈલ ટોયલેટ, શુદ્ધ પીવાના પાણી માટે વોટર સ્ટેશન, મેડિકલ યુનિટ, એમ્બ્યુલન્સ સેવા, પૂરતી લાઈટિંગ વ્યવસ્થા તેમજ ઈમર્જન્સી હેલ્પલાઈન પોઈન્ટ જેવી જરૂરી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.ઉપરાંત વિશાળ વોટરપ્રૂફ ડોમ, આરામદાયક બેઠક વ્યવસ્થા, સ્નાનગૃહ, ચેન્જિંગ રૂમ અને ક્લોકરૂમ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, જેથી પરિક્રમાર્થીઓ આરામદાયક રીતે પોતાની શ્રદ્ધા વ્યક્ત પરિક્રમા પૂર્ણ કરી શકે છે.
વર્ષ ૨૦૨૪માં ૪ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પરિક્રમા કરી હતી.જ્યારે ગત વર્ષે આ સંખ્યા વધીને ૧૦ લાખથી વધુ પહોંચી હતી.આધુનિક સુવિધાઓ અને સુવ્યવસ્થિત આયોજન સાથે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા ૨૦૨૬ વધુ ભવ્ય અને સફળ બનાવવા સઘન પ્રયાસો કરવામાં આવ્યા છે.




