ભરૂચથી પાટણ નવી એસટી બસ શરૂ થતા ધારાસભ્યના હસ્તે લોકાર્પણ

SHARE:

ભરૂચ,

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જાહેર પરિવહન સુવિધા મજબૂત બનાવવા દિશામાં એક મહત્વપૂર્ણ પગલું તરીકે ભરૂચથી પાટણ સુધી નવી એસ.ટી.બસ સેવા શરૂ કરવામાં આવી છે.રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલl અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા રાજ્યની 182 વિધાનસભા માટે 182 બસોની ફાળવણી કરવામાં આવી છે,જેના ભાગરૂપે ભરૂચ ડેપોને આ નવી સેવા મળતા સ્થાનિકોમાં આનંદની લાગણી વ્યાપી છે.

આજરોજ ભરૂચ ડેપો ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે આ બસ સેવાનો પ્રારંભ કરાયો હતો.આ પ્રસંગે તેમની સાથે ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા,બક્ષીપંચ મોરચાના જિલ્લા પ્રમુખ પરેશ લાડ, ભરૂચ પાલિકા સભ્ય હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.સલામત સવારી,એસ.ટી. અમારી મંત્રને સાર્થક કરતી આ સેવા ભરૂચથી પાટણ વચ્ચે સીધી કનેક્ટિવિટી પૂરી પાડવામાં મહત્વ પૂર્ણ સાબિત થશે.

નવી બસ સેવા શરૂ થતાં મુસાફરોને હવે વચ્ચે બદલી કર્યા વિના સીધી મુસાફરી કરવાની સુવિધા મળશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત વચ્ચે પ્રવાસ,વેપાર તેમજ શિક્ષણ માટે અવરજવર સરળ બનશે.આ રૂટ દ્વારા મુસાફરોને પાટણની વિશ્વવિખ્યાત રાણીકી વાવ તેમજ સિધ્ધપુર જેવા ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોએ પહોંચવામાં સરળતા રહેશે, જેનાથી પર્યટનને પણ પ્રોત્સાહન મળશે.

આ અંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે મુસાફરો ની સલામતી નિગમની પ્રથમ પ્રાથમિકતા છે અને આ બસ સેવા માત્ર પરિવહન નહીં પરંતુ લોકસેવાનું પ્રતિક બનશે.સાથે જ ઉત્તર ગુજરાતના લોકો માટે સુવિધારૂપ સાબિત થનાર છે.આ તબક્કે તેમણે ગુજરાત સરકારના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.સાથે જ મુસાફરોને સરકારી મિલકતને પોતાની સમજી સ્વચ્છતા જાળવવા અને આ સેવાનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

આ નવી બસ સેવા શરૂ થતા ભરૂચ જિલ્લાના મુસાફરોમાં ખુશીની લાગણી વ્યાપી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!