જંબુસર એસટી ડેપોમાં બસ ડ્રાઈવરની બેદરકારીથી ગંભીર અકસ્માત : એકને ઈજા

SHARE:

– નોમાન અલ્લી પટેલનો પગ ટાયર નીચે આવી જતા ઈજા : ડ્રાઈવર સામે આક્રોશ : ઈજાગ્રસ્તને ૧૦૮ મારફતે હોસ્પિટલ ખસેડાયો 

ભરૂચ,

જંબુસર ખાતે આવેલ એસટી ડેપોમાં બસ ડ્રાઈવરની બેદરકારીના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે.મળતી માહિતી અનુસાર બસ ઉપાડતી વખતે એક મુસાફરનો પગ સીધો બસના ટાયરની નીચે આવી ગયો હતો.જેના કારણે મુસાફરને ભારે ઈજાઓ પહોંચી હતી.આ અકસ્માત બનતા જ એસટી ડેપો વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ જંબુસર એસટી ડેપોમાં બસ રવાના થવાની તૈયારીમાં હતી ત્યારે ડ્રાઈવરે પૂરતી સાવચેતી રાખ્યા વિના બસ આગળ ધપાવી દીધી હતી.એ દરમ્યાન નજીકમાં રહેલા એક મુસાફરનો પગ બસના ટાયરની નીચે આવી જતા ઘટના ગંભીર બની હતી.અકસ્માત બાદ સ્થળ પર હાજર મુસાફરો તથા સ્થાનિક લોકો તરત જ દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તને મદદરૂપ બન્યા હતા.આ અકસ્માતને પગલે ડેપોમાં હાજર અન્ય મુસાફરોમાં ભય અને રોષની લાગણી ફાટી નીકળી હતી.લોકો દ્વારા બસ ડ્રાઈવરની બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો.અકસ્માત બાદ થોડા સમય માટે ડેપો વિસ્તારમાં ગભરાટનું વાતાવરણ ફેલાઈ ગયું હતું.ઈજાગ્રસ્ત મુસાફરને તાત્કાલિક ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.હાલ તેમની તબિયત અંગે વધુ માહિતી પ્રાપ્ત થઈ નથી,પરંતુ પ્રાથમિક રીતે તેમને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળે છે.આ ઘટના બાદ એસટી તંત્રની કામગીરી અને મુસાફરોની સલામતી અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે.ડેપો જેવા જાહેર સ્થળોએ બસોની અવરજવર દરમિયાન જરૂરી સુરક્ષા પગલાં લેવામાં આવે છે કે નહીં, ડ્રાઈવરોને યોગ્ય સૂચનાઓ આપવામાં આવે છે કે નહીં અને મુસાફરોની સલામતી માટે પૂરતી તકેદારી રાખવામાં આવે છે કે નહીં તેવા મુદ્દાઓ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે.સ્થાનિકોમાં માંગ ઉઠી રહી છે કે સમગ્ર ઘટનાની યોગ્ય તપાસ કરી બેદરકારી દાખવનાર જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી દુઃખદ અને ટાળી શકાય તેવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!