– નેત્રંગમાં શોપિંગ નહીં બસ સ્ટેન્ડની જરૂર છે : મનસુખ વસાવા
– સાંસદ મનસુખ વસાવાની ભાજપ અગ્રણીઓને ટકોર
(વિજય વસાવા,નેત્રંગ)
ભરૂચના સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર ટિફિન બેઠકમાં તેમના આક્રમક અંદાજમાં જોવા મળ્યા હતા જેનો વીડિયો હાલમાં વાયરલ થતા ભાજપ અગ્રણીઓ પર તેઓ વરસી પડ્યા હોવાનું જણાય છે.
નેત્રંગના કોયલી માંડવી ખાતે 29 મી માર્ચ માં રોજ યોજાયેલ ભાજપના ‘મન કી બાત’ અને ટિફિન બેઠકના કાર્યક્રમ દરમિયાન તેમણે પોતાની જ પાર્ટીના નેતાઓ અને વહીવટીતંત્રને આડે હાથ લીધા હતા.મનસુખ વસાવાએ નેત્રંગમાં બસ સ્ટેન્ડ અને મિની ડેપોની તાતી જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે નેત્રંગ એક એવું સેન્ટર છે જ્યાં ચારે બાજુથી બસો આવે છે, છતાં અહીં યોગ્ય સુવિધા નથી.જિલ્લા પંચાયત અને સ્થાનિક ધારાસભ્ય દ્વારા જે શોપિંગ સેન્ટરો બનાવવાની મંજૂરી લેવામાં આવી છે તેની સામે તેમણે સખત નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે, “શોપિંગ સેન્ટરોથી પ્રજાનું શું ભલું થશે?”તેમણે સીધો આક્ષેપ કર્યો કે શોપિંગ સેન્ટરો એટલે બનાવવામાં આવે છે કારણ કે તેમાં ‘ટકાવારી’ મળે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે જે રીતે કોંગ્રેસ અને BTP શાસનમાં ચાલતું હતું, તે ભાજપમાં નહીં ચલાવી લેવાય.બસ સ્ટેન્ડની સાથે સાથે તેમણે નેત્રંગ, વાલિયા અને ઝઘડિયા તાલુકાના ખેડૂતો માટે નર્મદાનું પાણી કરજણ ડેમમાં નાખીને સિંચાઈની સુવિધા આપવાની પણ માંગ કરી હતી.
મનસુખ વસાવાએ જણાવ્યું કે જો પ્રજાલક્ષી કામો નહીં થાય તો તેઓ જાહેરમાં આ મુદ્દે બોલતા રહેશે. તેમણે આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓને ધ્યાને રાખીને કાર્યકરોને પ્રજાના પ્રશ્નો ઉકેલવા હાકલ કરી હતી.”પ્રજાના હિતનું કામ હશે તેને જ હું સમર્થન કરીશ. શોપિંગ સેન્ટર એ ધંધાકીય વિષય છે, જ્યારે બસ સ્ટેન્ડ એ જનતાની પાયાની જરૂરિયાત છે.”
મનસુખ વસાવાના આ નિવેદનોના પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને મનસુખ વસાવાની આ ‘ખુલ્લી વાત’ સ્થાનિક સ્વાયત સંસ્થાઓની ચૂંટણી પૂર્વે ચર્ચાનો વિષય બની છે.




