ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને નવી MUV ની ફાળવણી

SHARE:

– સર્વને સમાન ન્યાયનો ધ્યેય હવે વધુ બનશે અસરકારક અને સાર્થક : ગુજરાત હાઈકોર્ટ ખાતે વાહનોની ફ્લેગ ઓફ સેરેમની યોજાઈ

ભરૂચ,

ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની કચેરીને એક મલ્ટી યુટીલીટી વ્હીકલ (MUV) મહિન્દ્રા બોલેરો ગાડી ફાળવવામાં આવી છે.આ વાહનનો ઉપયોગ કાનૂની જાગૃતિ કાર્યક્રમો, કાયદાના પ્રચાર-પ્રસાર અને લીગલ એઈડ પ્રવૃત્તિઓ માટે કરાશે.

નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી (નાલસા) અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ તરફથી આ વાહનની ફાળવણી કરાઈ છે.ગુજરાત હાઈકોર્ટ ખાતે વાહનોની ફ્લેગ-ઓફ સેરેમની યોજાઈ હતી.જેમાં સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ વિક્રમનાથ, ન્યાયમૂર્તિ એન.વી.અંજારીયા, ન્યાયમૂર્તિ વિપુલ પંચોલી અને ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલની ઉપસ્થિતમાં યોજાયો હતો.

આ સમારોહમાં ગુજરાત હાઈકોર્ટના સિનિયર મોસ્ટ જજ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના એક્ઝિક્યુટિવ ચેરમેન ન્યાયમૂર્તિ એ. વાય. કોગજે સહિત અન્ય ન્યાયમૂર્તિઓએ વાહનને ફ્લેગ ઓફ કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના સભ્ય સચિવ હેતલ પવાર દ્વારા કરાયું હતું.

ગુજરાત રાજ્યની જિલ્લા અદાલતોના મુખ્ય જિલ્લા ન્યાયાધીશો, ભરૂચ જિલ્લાના એડમિનિસ્ટ્રેટિવ જજ જસ્ટિસ અનિરુદ્ધ માયી, ભરૂચ જિલ્લાના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ આર.કે. દેસાઈ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ જિલ્લામાં લોક અદાલત, મધ્યસ્થીકરણ અને કાનૂની જાગૃતિ જેવા લીગલ એઈડના કાર્યક્રમો સક્રિયપણે ચાલી રહ્યા છે. આ વાહનની ફાળવણીથી ભરૂચ જિલ્લામાં કાનૂની જાગૃતિની કામગીરીને વધુ વેગ મળશે. આ વાહનનો ઉપયોગ ભરૂચ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં વસતા લોકો સુધી કાનૂની જાગૃતિ પહોંચાડવા અને વધુમાં વધુ આઉટરીચ પ્રવૃત્તિઓ કરવા માટે થશે. સર્વને ન્યાયમાં વાહન ફાળવણીથી કામગીરી વધુ અસરકારક, ઝડપી અને સરળ બનશે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!