ભરૂચ,
વાગરાની GEB ચોકડી નજીક આવેલ શિલ્પી પેટ્રોલ પંપ પાસે ગતરાત્રે એક ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી હતી.મગનો પાલો ભરીને જઈ રહેલી એક આઈશર ગાડી અચાનક પલટી ખાઈ જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આ દુર્ઘટનામાં ગાડીમાં સવાર એક માસૂમ બાળક અને બે શ્રમિકોને ગંભીર ઈજાઓ પહોંચી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
મળતી માહિતી મુજબ GJ-16-Z-5254 નંબરની આઈશર ગાડી મગનો પાલો ભરીને પસાર થઈ રહી હતી. ચાલકે વાગરા સ્થિત શિલ્પી પેટ્રોલ પંપ પર ડીઝલ ભરાવ્યા બાદ જેવી ગાડી મુખ્ય માર્ગ પર લાવવાનો પ્રયાસ કર્યો, કે તુરંત જ ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો.સંતુલન બગડતા જ ભરેલી આઈશર રસ્તા પર જ ધડાકાભેર પલટી ખાઈ ગઈ હતી.અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિકો અને રાહદારીઓ તુરંત મદદ માટે દોડી આવ્યા હતા.આ અકસ્માતમાં બે મજૂરો અને એક નાનું બાળક લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા.તમામ ઈજાગ્રસ્તોને માથાના ભાગે અને શરીરે નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.
સ્થાનિકોની મદદથી ઈજાગ્રસ્તોને તાત્કાલિક વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.ગાડી પલટી જતાં રસ્તા પર મગનો પાલો વેરાઈ ગયો હતો, જેના કારણે થોડા સમય માટે વાહનવ્યવહાર પ્રભાવિત બન્યો હતો. ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને રોડ પરથી ગાડી હટાવવાની તેમજ ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથધરી હતી.સદ્દનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, અકસ્માત પાછળનું મુખ્ય કારણ પેટ્રોલ પંપના પ્રવેશ અને નિકાસ દ્વાર પર આવેલી જોખમી ભૌગોલિક સ્થિતિ હોવાનું મનાઈ રહ્યું છે. મુખ્ય માર્ગ પરથી પેટ્રોલ પંપ તરફ આવવા અને ત્યાંથી બહાર નીકળવા માટે અત્યંત જોખમી ઢલાન આવેલી છે. સ્થાનિકોના અનુમાન મુજબ, ભારે લોડિંગ સાથેની આઈશર ગાડી જ્યારે આ ઢલાન પરથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક નમી પડી હતી અને સંતુલન ગુમાવવાને કારણે પલટી મારી ગઈ હતી.આ જોખમી ઢલાન વાહનચાલકો માટે સતત ભયનો વિષય બની રહી છે.




