– રાજવી પરિવારને ખોટા આરોપમાં ફસાવી કોર્ટના ચક્કરમાં પાડી દઈ જેલમાં પુરાવી દેવાની ધમકી આપી
ભરૂચ,
આમોદ તાલુકાના કેરવાડા ગામે રહેતા રાજવી પરિવારના વારસોને ફોનથી ૪૦ લાખની ખંડણી માંગી તેમજ ફિલ્મી ઢબે ફોરવ્હીલ ગાડી આગળ બાઇક ઊભું કરી બીભત્સ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા કેરવાડા ગામના રાજવી પરિવારના મોભીએ આમોદ પોલીસ મથકે ચાર આરોપીઓ સામે ફરિયાદ આપતા પોલીસે ત્રણની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરી હતી.
આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ તાલુકાના કેરવાડા રજવાડાના રાજવી દાદા માનસિંહ ભાસાહેબે તેમના પૌત્ર મયુરધ્વજસિંહ વિજયસિંહ રાણાને વીલથી વારસામાં સમિયાલા ગામે આવેલી જમીનનો જુનો બ્લોક/સર્વે નંબર ૨૪૫ અને નવો બ્લોક/સર્વે નંબર ૪૮ જમીન આપી હતી.જે જમીન ઉપર મયુરધ્વજસિંહ ખેતી કરે છે.આ કામના આરોપીઓએ ગત ૩૦ માર્ચ ૨૦૨૬ ના રોજ સવારના આશરે સાતેક વાગ્યે મયુરધ્વજસિંહ રાણાની સમીયાલા ગામની ખેતીની જમીન ઉપર આ કામના આરોપીઓ સૈયદ ઈસ્માઈલ મોટાજી ઉર્ફે બસીર બાપુ,સૈયદ સર્ફરાજ અબ્બાસ, સૈયદ અલી મોટાજી તમામ રહે.કેરવાડા તા.આમોદ, જી.ભરૂચનાઓએ ફરીયાદીના સિકયુરીટીના માણસોને મા-બેન સમાણી ગાળો આપી,ધોકાઓ લઈને મારવા દોડી જઈ મારી નાખવાની ધમકી આપી હતી અને ડરાવીને બેસવાની ૫૦ ખુરશીઓ બદદાનતથી દબાવીને બળજબરીથી કઢાવી લીધી હતી.ત્યાર બાદ તે જ દિવસે બપોરના આશરે સાડા ત્રણેક વાગ્યે કેરવાડા ગામ ખાતે આ ત્રણેય આરોપીઓએ સુનિલસિંહના કહેવાથી મયુરધ્વજસિંહ તથા તેમના બેન ભારતીકુંવરબાને માં – બેન સમાણી બીભત્સ ગાળો બોલી મારી નાખવાની ધમકી આપી હતી.તેમજ કોઈના મોતનો કે મોતની કોષીશનો ગુનો કરાવી, તે ગુનાનો ખોટો આરોપ ફરીયાદી ઉપર નાખી દઈ, કોર્ટના ચક્કરમાં પાડી દઈ જેલમાં નાખવાનો ભય બતાવ્યો હતો અને જમીનમાં નહી જવાનુ જણાવ્યું હતું અને જો જમીનમાં જવુ હોય તો ચાલીસ લાખની માંગણી કરી હતી.તેમજ ૧૦ એપ્રિલ ૨૦૨૬ ના રોજ ફરી વખત આરોપી સૈયદ ઈસ્માઈલ મોટાજી ઉર્ફે બસીર બાપુ તથા આરોપી સિરાજ હસન રાણા ઉર્ફે સુનિલસિંહ વિજયસિંહ રાણા રહે. કેરવાડા તા. આમોદનાઓએ બન્નેએ તેમના અલગ અલગ મોબાઈલ નંબર ઉપરથી મયુરધ્વજસિંહને ફોન કરી ચાલીસ લાખ રૂપીયાની માંગણી કરી હતી અને જમીનમા નહી જવા દઇ અવરોધ ઉભો કરી ગુનાહીત કાવતરૂ રચી ગુનો કર્યો હતો.
આ બાબતે ફરિયાદી મયુરધ્વજસિંહ રાણાએ આમોદ પોલીસ મથકે આરોપીઓની કરતૂતનો વિડીયોગ્રાફી અને ફોન રેકોર્ડીંગ કરી પેનડ્રાઈવ પોલીસ મથકે રજૂ કરી મજબૂત પુરાવો આપ્યો હતો.જે બાબતે આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.જ્યારે સિરાજ હસન રાણા ઉર્ફે સુનિલસિંહ વિજયસિંહ રાણાના ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.




