વાગરા-ભરૂચ માર્ગ બન્યો ડેન્જર ઝોન! નીલગાય આડે આવતા બે યુવાનો પટકાતા ઈજાગ્રસ્ત બન્યા

SHARE:

– અગાઉ અરગામા નજીક એક યુવકે ગુમાવ્યો હતો જીવ!

ભરૂચ,

ભરૂચ – વાગરા મુખ્ય માર્ગ હવે વન્ય પ્રાણીઓના કારણે વાહનચાલકો માટે ડેન્જર ઝોન બની રહ્યો છે.ગતરાત્રે આ માર્ગ પર ફરી એકવાર વન્ય પ્રાણી આડે આવતા સર્જાયેલા અકસ્માતમાં અલાદર ગામના બે આશાસ્પદ યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે.માર્ગ પર અચાનક આવી ચઢેલી નીલગાયના કારણે બાઈક સવારોએ કાબૂ ગુમાવતા આ દુર્ઘટના સર્જાઈ હતી.અલાદર ગામના રહેવાસી કનુભાઈ કાલિદાસ વસાવાઅને દલસુખભાઈ નારસંગભાઈ વસાવા જેઓ રાત્રિના સમયે પોતાની મોટરસાયકલ પર ભરૂચથી વાગરા તરફ આવી રહ્યા હતા. તેઓ જ્યારે CISF કોલોની પાસેના વિસ્તાર માંથી પસાર થઈ રહ્યા હતા,ત્યારે અંધારામાં અચાનક એક કદાવર નીલગાય દોડીને રસ્તા પર આવી ગઈ હતી.બાઈક સવાર કંઈ સમજે તે પહેલા જ બાઈક અને નીલગાય વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.ટક્કર એટલી પ્રચંડ હતી કે બંને યુવાનો રોડ પર ફંગોળાયા હતા અને તેમને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના વાહનચાલકો અને રાહદારીઓ તુરંત જ મદદ માટે થોભી ગયા હતા.સ્થાનિકોએ માનવતા દાખવી તાત્કાલિક બંને ઈજાગ્રસ્તોને વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચાડ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં અવારનવાર વન્ય પ્રાણીઓ રસ્તા પર ઉતરી આવતા હોવાથી અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે, જે વાહનચાલકો માટે રાત્રિના સમયે મોટું જોખમ સાબિત થઈ રહ્યું છે. વાગરા પંથકમાં વન્ય પ્રાણીઓના કારણે સર્જાતા અકસ્માતો હવે ચિંતાનો વિષય બન્યા છે.માત્ર થોડા દિવસો અગાઉ જ વિછિયાડ માર્ગ પર પણ આ જ પ્રકારે નીલગાય આડે આવતા બાઈક સવારો અકસ્માતનો ભોગ બન્યા હતા.આટલું જ નહીં, અગાઉ અરગામા નજીક નીલગાયની અડફેટે એક આશાસ્પદ યુવાને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો.જે ઘટના આજે પણ લોકોમાં ફફડાટ પેદા કરે છે.વારંવાર બનતી આ દુર્ઘટનાઓને પગલે વાહનચાલકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોની ઉગ્ર માંગ છે કે તંત્ર દ્વારા આ માર્ગો પર વન્ય પ્રાણીઓના જોખમને રોકવા માટે કોઈ ચોક્કસ અને અસરકારક પગલાં ભરવામાં આવે જેથી નિર્દોષ લોકોના જીવ બચાવી શકાય.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!