ભરૂચ,
ભરૂચ જીલ્લામાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફરજમાં રોકાયેલ પોલીસકર્મી,હોમગાર્ડ અને જી.આર.ડી જવાનો માટે એસ.પી ઓફિસ ખાતે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યા પોલીસકર્મીઓએ મતદાન કર્યું હતું.
આગામી 26 મી એપ્રિલના રોજ ભરૂચ જીલ્લામાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફરજ બજાવનાર પોલીસકર્મીઓ પોતાના મતદાનનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણી વિભાગ દ્વારા પોસ્ટલ બેલેટ મતદાન માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી.જેના ભાગરૂપે ભરૂચ એસ.પી ઓફિસ ખાતે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવતા મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ અને હોમગાર્ડ જવાનો મતદાન માટે જોડાઈ શાંતિપૂર્ણ માહોલમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.મતદાન પ્રક્રિયા દરમ્યાન તમામ જરૂરી વ્યવસ્થાઓ સુચારૂ રીતે ગોઠવવામાં આવી હતી જેથી કોઈપણ પ્રકારની અસુવિધા ઉભી ન થાય.
ચૂંટણી ફરજને કારણે મતદાનના દિવસે પોતાના મતદાન કેન્દ્ર પર હાજર રહી શકતા ન હોય એવા સુરક્ષા કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટની આ વ્યવસ્થા લોકશાહી પ્રત્યેની તેમની ભાગીદારી સુનિશ્ચિત કરે છે. આજના મતદાનમાં જવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને તેઓએ જવાબદારીપૂર્વક મતદાન કરી લોકશાહી પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.



