અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા ખાતે જિલ્લા શિક્ષણાધિકારીની ઉપસ્થિતિમાં દિવ્યાંગ મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

SHARE:

ભરૂચ,

અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત દિવ્યાંગ મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દિવ્યાંગ મતદારોમાં મતદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને તેમને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવાનો હતો.

આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના સ્વીપ નોડલ અધિકારી જિલ્લા ડીઈઓ સ્વાતિબા રાઓલજી તેમજ એજ્યુકેશન ઈન્સ્પેક્ટર દિવ્યેશભાઈ પરમારે વિશેષ હાજરી આપી હતી. 

જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલે દિવ્યાંગ મતદારોને સરળ અને સુલભ મતદાન પ્રક્રિયા વિશે માહિતગાર કર્યા અને લોકશાહી પ્રત્યે પોતાની જવાબદારી નિભાવવા અનુરોધ કર્યો હતો.કાર્યક્રમ દરમ્યાન મતદાન પ્રક્રિયા, EVM અને VVPAT વિષે સરળ ભાષામાં સમજ આપવામાં આવી હતી. સાથે જ દિવ્યાંગ મતદારો માટે ઉપલબ્ધ સુવિધાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સંસ્થાના ટ્રસ્ટ મંડળને આવા સુંદર સેવાકીય કાર્ય બદલ ખુબ જ અભિનંદન પાઠવ્યા હતા.

કાર્યક્રમમાં મનો દિવ્યાંગ બાળકોના વાલીઓ તથા આજુબાજુના ગામના દિવ્યાંગ ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 

અસ્મિતા વિકાસ કેન્દ્રના આચાર્ય મનિષાબેન ત્રિવેદીએ જણાવ્યું કે આવા કાર્યક્રમો દ્વારા દિવ્યાંગ મતદારોમાં આત્મવિશ્વાસ વધે છે અને તેઓ વધુ સક્રિય રીતે ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લે છે.

આ કાર્યક્રમને ઉપસ્થિત સૌએ ખૂબ સરાહનીય ગણાવ્યો હતો અને આવનારી ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન કરવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!