– મુમતાજ પટેલ ભરૂચની બેટી છે એટલે પ્રચાર કરવા આવશે : સલીમ અમદાવાદી
ભરૂચ,
ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ લોકશાહીને મજબૂત બનાવવાના સંકલ્પ સાથે એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કોઈપણ પ્રકારના દબાણ, ધમકીઓ કે પ્રલોભનો સામે ઝુક્યા વગર પોતાની ઉમેદવારી પાછી ન ખેંચી હિંમતભેર ચૂંટણી મેદાનમાં ડટેલા કોંગ્રેસના 38 ઉમેદવારોનું કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતે સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી સહિતના અગ્રણીઓએ ઉમેદવારોને શુભેચ્છા પાઠવી તેઓના મનોબળને બળ આપ્યું હતું.આગેવાનોએ જણાવ્યું હતું કે લોકશાહી વ્યવસ્થામાં નિર્ભય અને નિષ્પક્ષ ચૂંટણી અત્યંત આવશ્યક છે અને કોંગ્રેસના ઉમેદવારો એ સિદ્ધાંતને સાચવતા દબાણ સામે અડીખમ રહ્યા છે.
કાર્યક્રમ દરમ્યાન આગેવાનો દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો હતો કે કોંગ્રેસ પાર્ટી લોકશાહી મૂલ્યોને જાળવવા માટે પ્રતિબદ્ધ છે અને દરેક ઉમેદવારને પૂર્ણ સહકાર આપવામાં આવશે.સાથે જ, કાર્યકર્તાઓને પણ વધુ સક્રિય બની ચૂંટણીમાં પાર્ટીની જીત સુનિશ્ચિત કરવા આહ્વાન કરવામાં આવ્યું હતું.સાથે મુમતાજ પટેલ સોશ્યલ મીડિયા પર કરવામાં આવેલ ટ્વીટને લઈને પ્રતિક્રિયા આપી હતી કે તેઓ ભરૂચની બેટી છે તેઓ પ્રચાર માટે આવશે નાના મોટા ઝઘડા રહેતા હોય છે.
આ કાર્યક્રમથી કોંગ્રેસના ઉમેદવારોમાં નવી ઉર્જા જોવા મળી હતી અને તેઓ વધુ આત્મવિશ્વાસ સાથે ચૂંટણી લડવા સજ્જ બન્યા હોવાનું જણાયું હતું.




