– આગે વિકરાળ સ્વરૂપ લેતા 14 જેટલાં કામદારો દાઝતા હોસ્પિટલ ખાસેડાયા
– વિવિધ ટીમો ઘટના સ્થળે પહોંચી આગનું કારણ અને ઈજાગ્રસ્તોની માહિતી મેળવી : આગ ક્યાં કારણોસર લાગી તેની તપાસ શરૂ
ભરૂચ,
ઝઘડિયા જીઆઈડીસી માંથી આગની ગંભીર ઘટના સામે આવી હતી.Metropolitan Eximchem કંપનીના પ્રોડક્શન પ્લાન્ટમાં અચાનક જોરદાર બ્લાસ્ટ થતા આગ ભભુકી ઉઠી હતી.ત્યાર બાદ જોતજોતામાં આખી કંપની આગની ઝપેટમા આવી જતા 14 જેટલાં કામદારો દાઝતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ભરૂચ જીલ્લો ઔદ્યોગિક જીલ્લો હોવાથી અહીં વિવિધ ક્ષેત્રની કંપનીઓ ધમધમી રહી છે અને નાના મોટા અકસ્માતોના બનાવો બનતા હોય છે.ત્યારે ઝઘડીયા જીઆઈડીસીના પ્લોટ નંબર 902/1 માં Metropolitan Eximchem કંપની કાર્યરત છે.જેમાં ગુરુવારના રોજ પ્રોડક્શનની કામગીરી ચાલતી હતી તે વેળા અચાનક રીએકટરમાં આગ લાગી હતી.જોકે જોત જોતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા હતા અને જીઆઈડીસીમાં અફરાતફરીનો માહોલ સર્જાવા સાથે જીવા બચાવવા કામદારોમાં નાસભાગ મચી હતી.જોકે આગની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથધર્યા હતા અને કલાકોની ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી હતી અને ત્યાર બાદ કૂલિંગની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.આગ એટલી વિકરાળ હતી કે સાગર પટેલ,અરુણ તિવારી,કલ્પેશ વસાવા,શકીલ આફ્ટાર,હાર્દિક પરમાર,બુધન કુમાર,અમન કુમાર,હરી પ્રકાશ,રોનક પટેલ, પ્રવિણસિંહ,રમેશ વસાવા,મુશ્ઠણ કુમાર,ઈશાન યાશીન સહિત રાકેશ વસાવા મળી 14 જેટલાં કામદારો આગની ઝપેટમાં આવી જતા તેઓ દાઝી ગયા હતા.તો કેટલાક કામદારો દાઝેલી હાલતમાં કંપની બહાર આવતા અન્ય કામદારો દ્વારા તેઓને સારવાર અર્થે અંકલેશ્વરની હોસ્પિટલ ખાસેડવામાં આવ્યા હતા.જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ 4 કામદારોને વધુ સારવાર અર્થે સુરત ખાસેડવામાં આવ્યા હતા.
સમગ્ર આગની જાણ તંત્રને થતા પોલીસ કાફલો, મામલતદાર સહિત ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ ક્યાં કારણોસર લાગી અને કેટલા લોકો દાઝ્યા તેની સમગ્ર માહિતી કંપનીના સત્તાધીશો પાસેથી મેળવવાની તજવીજ હાથધરી હતી.



