ભરૂચ,
નેત્રંગ તાલુકાના મચામડી ગામે માછલીના ભાગલા પાડવા જેવી સામાન્ય બાબતે સાવકા ભાઈએ પોતાના ભાઈની હત્યા કરી છે. આ ઘટના બાદ નેત્રંગ પોલીસે આરોપીને ઝડપી પાડી જેલભેગો કર્યો છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકાના મચામડી ગામના રહેવાસી જયેશભાઈ રાયસીંગભાઈ કોટવાળીયા,પ્રવિણ ઉર્ફે રવિન રમણભાઈ કોટવાળીયા અને મંજુબેન રમણભાઈ કોટવાળીયા ધોલી ડેમ ખાતે માછીમારી કરવા ગયા હતા. 5 મે, 2026ના રોજ સાંજે માછીમારી પૂર્ણ કરીને તેઓ માછલીના ભાગ પાડીને ઘરે પરત ફરી રહ્યા હતા.મચામડીથી આંજોલી જતા કાચા રસ્તા પર માછલીના ભાગલા મુદ્દે બંને સાવકા ભાઈઓ જયેશભાઈ અને પ્રવિણ ઉર્ફે રવિન વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.ઝઘડો વકરતા જયેશભાઈએ પોતાના થેલા માંથી શેરડી કાપવાનું કોયતું કાઢી પ્રવિણ ઉર્ફે રવિન પર હુમલો કરતા ગળાના ભાગે ગંભીર ઈજા થતાં પ્રવિણનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.આ ઘટના બાદ આરોપી જયેશ ફરાર થઈ ગયો હતો.
હત્યાની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નેત્રંગ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર વી.એસ.વણઝારાએ ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી હતી.
પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ટેક્નિકલ સર્વેલન્સ, હ્યુમન સોર્સ અને વિવિધ સ્થળોના CCTV ફૂટેજના આધારે તપાસ હાથધરી હતી.તપાસના અંતે ફરાર આરોપી જયેશભાઈ રાયસીંગભાઈ કોટવાળીયાને નર્મદા જિલ્લાના મુલ્કાપાડા ગામેથી ઝડપી પાડી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.




