– ઉનાળાની કાળઝાળ ગરમીમાં પીવાના પાણીની પાલિકા કચેરીમાં સમસ્યા છતાં તંત્ર દ્વારા કોઈ નિરાકરણ નહીં
– પાલિકાના વિવિધ વિભાગોમાં પાણીના કુલરો મંગાવી અધિકારીઓ અને કર્મચારીઓ તરસ છીપાવી રહ્યા છે
ભરૂચ,
ભરૂચવાસીઓને પીવાનું પાણી પૂરું પાડતી પાલિકા કચેરી ખુદ પીવાના પાણીની સમસ્યામાં સપડાઈ હોય તેવા દ્રશ્યો સામે આવતા અનેક સવાલો ઉઠવા પામ્યા છે. ત્યારે પાલિકા તંત્ર વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવે અને કચેરીમાં આવતા લોકોની તરસ છીપાવે તેવી માંગ ઉઠવા પાણી છે.
ભરૂચ નગરપાલિકા શહેરીજનોને બે ટાઈમ પીવાનું પાણી પૂરું પાડી રહ્યું છે.પરંતુ ખુદ પાલિકા કચેરીમાં જ પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે.પાલિકા કચેરીમાં મુકવામાં આવેલ પાણીનું કુલર બંધ હાલતમાં અને પાણીથી ખાલી હોવાનું સોશ્યલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે. એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમી અને બીજી તરફ પાલિકા કચેરીમાં કામકાજ અર્થે મોટી સંખ્યામાં આવતા અરજદારોને તરસ છીપાવવા પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે.
તો બીજી તરફ પાલિકા કચેરીમાં વિવિધ વિભાગોમાં પણ પીવાના પાણીની સમસ્યા સામે આવી છે.વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પીવાના પાણીના કુલરો પોતાના ખર્ચે બહારથી મંગાવી ઉનાળાની કાળઝાળ ગરમીમાં પોતાની તરસ છીપાવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકા કચેરીમાં રોજબરોજ પોતાના કામ અર્થે મોટી સંખ્યા અરજદારો આવતા હોય છે.ત્યારે પીવાના પાણી ના કુલર બંધ હાલતમાં રહેતા અરજદારોને પીવાના પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે પાલિકા તંત્ર ગ્રાન્ટ અથવા તો સીએસઆર હેઠળ પીવાના પાણી માટે આરઓ સિસ્ટમ સાથે પીવાના પાણીના કુલરો મુકાવે તે જરૂરી છે. જેથી અરજદારો સાથે સાથે પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓને પીવા માટે શુદ્ધ પાણી મળી રહે.




