– નવનિયુક્ત હોદ્દેદારોને ભાજપ મોવડી મંડળ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી
ભરૂચ,
ભરૂચ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની મહત્વપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી.સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પ્રાંત અધિકારી મનીષા મનાણી તેમજ ચીફ ઓફિસર હરીશ અગ્રવાલની ઉપસ્થિતિમાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે સંપન્ન થઈ હતી.
ભરૂચ નગરપાલિકાના 50 માં પ્રમુખ પદ માટે ભારતીય જનતા પાર્ટી તરફથી દેવેન્દ્રસિંહ વસાવાએ ઉમેદવારી નોંધાવી હતી જ્યારે કોંગ્રેસ પક્ષ તરફથી હેમેન્દ્ર કોઠીવાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.ત્યાર બાદ યોજાયેલા મતદાનમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતાં દેવેન્દ્રસિંહ વસાવાને 29 મત પ્રાપ્ત થયા હતા.જ્યારે કોંગ્રેસના ઉમેદવાર હેમેન્દ્ર કોઠીવાલાને 10 મત મળ્યા હતા.જોકે એઆઈએમઆઈના ચાર સભ્યો તટસ્થ રહેતા પરિણામે ભાજપના દેવેન્દ્રસિંહ વસાવા ભરૂચ નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.તે જ રીતે ઉપપ્રમુખ પદ માટે ભાજપ તરફથી રચિતા મોદી અને કોંગ્રેસ તરફથી રાબિયા પટેલ મેદાનમાં હતા.મતદાન પૂર્ણ થયા બાદ રચિતા મોદીને 29 મત પ્રાપ્ત થયા હતા.જ્યારે કોંગ્રેસના ઉમેદવાર રાબિયા પટેલને 10 મત મળ્યા હતા.બહુમતીના આધારે રચિતા મોદી ભરૂચ નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.
ચૂંટણી પરિણામ જાહેર થતા ભાજપ કાર્યકરોમાં આનંદની લાગણી જોવા મળી હતી.જીત બાદ કાર્યકરોએ પ્રમુખ અને ઉપપ્રમુખને ફુલહાર કરી અભિનંદન આપવા સાથે શુભેચ્છાઓ પાઠવી હતી અને નવા હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવવા ભરૂચ જીલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી,મહામંત્રી પરેશ પટેલ, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, શહેર પ્રમુખ જતીન શાહ, મહામંત્રી મિતેષ રાણા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.તો બીજી તરફ ભરૂચ નગરપાલિકાના કારોબારી ચેરમેન તરીકે પ્રજ્ઞેશ પટેલ,શાસક પક્ષના નેતા તરીકે ધ્યાન દેશમુખ અને દંડક તરીકે ગણેશ કાયસ્થની નિમણુંક કરવામાં આવતા સમર્થકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આવનાર દિવસોમાં ચોમાસુ શરૂ થનાર છે ત્યારે શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે ત્યારે નવનિયુક્ત હોદ્દેદારો આ સમસ્યાનું નિરાકરણ કરે અને આ સમસ્યા માંથી મુક્તિ અપાવે તે જરૂરી છે.




