(સંજય પટેલ,જંબુસર)
જંબુસર તાલુકાના ઉચ્છદ ગામે આવેલા રાજ ફળિયામાં અચાનક વીજ શોર્ટ સર્કિટ થવાના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી.આ દુર્ઘટનામાં ગામના બે પરિવારોની આખી જિંદગીની મૂડી અને ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ છે, જેના કારણે પરિવારો ભારે આર્થિક સંકટમાં મુકાયા છે.
આ ભીષણ આગની ઝપેટમાં કિરણસિંહ બળવંતસિંહ રાજ અને સુખદેવ પ્રભાતસિંહ રાજના મકાનો આવી ગયા હતા. બંને મકાનમાલિકોએ જણાવ્યું હતું કે આગ શોર્ટ સર્કિટના કારણે જ ફેલાઈ હતી.
શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.ઘરમાં રહેલું તમામ ફર્નિચર, કપડાં, અનાજ અને રોજિંદી જીવનજરૂરી તમામ ઘરવખરી બળીને રાખ થઈ ગઈ છે.પરિણામે લાખો રૂપિયાનું ભારે નુકસાન થયું છે.
ઘટનાની જાણ થતાં જ જંબુસર નગરપાલિકા,પીજીપી ગ્લાસ અને સ્ટર્લીંગ બાયોગ્લાસ ની ફાયર ફાઈટર ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, જેને કારણે આગ આજુબાજુના અન્ય મકાનોમાં ફેલાતી અટકી ગઈ હતી અને મોટી હોનારત ટળી હતી.સદ્દનસીબે આ ભયાનક દુર્ઘટનામાં કોઈ માનવ જાનહાનિ કે ઈજા થઈ નથી.




