(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
વાણિજ્ય વિભાગની સંસદીય સ્થાયી સમિતિના સભ્યોએ તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત વિશ્વવિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા સરદાર સરોવર નર્મદા ડેમની મુલાકાત લીધી હતી.ડોલા સેનની અધ્યક્ષતામાં બનેલી ૧૫ સભ્યોની પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો પૈકી સાંસદ બિસ્વજીત સિન્હા,સાંસદ અતુલ ગર્ગ, સાંસદ અનિતા શુભ્રદાશીની અને નાયબ સચિવ રોઝી શેઈલો દામોદર એ વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પો અને પર્યટન સુવિધાઓ અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી.
મુલાકાત દરમ્યાન કમિટીના સભ્યોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચીને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી હતી.તેમણે રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે સરદાર સાહેબે આપેલા અમૂલ્ય યોગદાનને યાદ કરી તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.ત્યાર બાદ કમિટીના સભ્યોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની હૃદયસ્થળે આવેલી વ્યૂઇંગ ગેલેરીની મુલાકાત લીધી હતી. અહીંથી તેમણે પવિત્ર નર્મદા નદી, સાતપુડા અને વિંધ્યાચળની ગિરિમાળાઓ તેમજ સરદાર સાહેબના સ્વપ્ન સમાન સરદાર સરોવર નર્મદા ડેમના મનોહર અને વિહંગમ દૃશ્યોનું અવલોકન કર્યું હતું. આ અદભૂત દૃશ્યો નિહાળી સભ્યો અત્યંત પ્રભાવિત અને ગદગદિત બન્યા હતા.
બાદમાં કમિટીના સભ્યઓએ સરદાર સરોવર નર્મદા ડેમની મુલાકાત લઈ ડેમની વિશાળતા, જળસંગ્રહ ક્ષમતા, રાજ્ય તથા દેશના વિવિધ વિસ્તારોમાં પીવાના પાણી અને સિંચાઈ માટે તેની ઉપયોગિતા તેમજ નર્મદા યોજનાના સર્વાંગી વિકાસલક્ષી પ્રભાવ અંગે વિગતવાર માહિતી મેળવી હતી.અધિકારીઓ દ્વારા ડેમના સંચાલન, જળવ્યવસ્થાપન અને પ્રદેશના આર્થિક-સામાજિક વિકાસમાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.




