– દિવ્યાંગ બાળકોની પ્રતિભાને બિરદાવી, વૃક્ષારોપણથી આપ્યો પર્યાવરણ સંરક્ષણનો સંદેશ
ભરૂચ,
અસ્મિતા વિકાસ કેન્દ્ર સંચાલિત મનો દિવ્યાંગ બાળકોની નિવાસી શાળાની આજે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીએ પ્રેરણાદાયી મુલાકાત લીધી હતી.મુલાકાત દરમ્યાન તેમણે બાળકો દ્વારા રજૂ કરાયેલા સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમો નિહાળ્યા હતા. બાળકોના આત્મવિશ્વાસ, પ્રતિભા અને ઉત્સાહથી પ્રભાવિત થઈ તેમણે તેમની ખુલ્લા હૃદયે પ્રશંસા કરી અને વધુ પ્રગતિ માટે પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીએ સંસ્થા પરિસરમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો.ત્યાર બાદ તેમણે શાળા, તાલીમ વિભાગ, રહેણાંક વ્યવસ્થા તેમજ દિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ માટે ચાલી રહેલી વિવિધ પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું હતું. સંસ્થા દ્વારા શિક્ષણ, સંભાળ, પુનર્વસન અને સ્વાવલંબન ક્ષેત્રે કરવામાં આવી રહેલી સેવાકીય કામગીરીની તેમણે પ્રશંસા કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે દિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ માટે અસ્મિતા વિકાસ કેન્દ્ર દ્વારા કરવામાં આવતું કાર્ય સમાજ માટે પ્રેરણારૂપ છે. ભવિષ્યમાં પણ આવી જ નિષ્ઠા, ગુણવત્તા અને સેવાભાવ સાથે કાર્ય ચાલુ રાખવા તેમણે સંસ્થાને શુભેચ્છાઓ અને માર્ગદર્શન પાઠવ્યું હતું.
અસ્મિતા વિકાસ કેન્દ્ર પરિવાર દ્વારા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સંસ્થાના જણાવ્યા મુજબ તેમની આ મુલાકાત બાળકો, સ્ટાફ અને સમગ્ર સંસ્થા માટે નવી પ્રેરણા, ઉત્સાહ અને ઊર્જાનો સ્ત્રોત બની છે.આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ મગનભાઈ હનિયા, ઉપપ્રમુખ ભરતભાઈ તેમજ મેનેજિંગ ટ્રસ્ટી પ્રણવભાઈ ભટ્ટ સહિત સંસ્થાના હોદ્દેદારો અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.”સેવા, સંવેદના અને સંસ્કાર દ્વારા વિશેષ બાળકોના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ – એ જ અસ્મિતા વિકાસ કેન્દ્રનું ધ્યેય.”




