– 40 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો!
ભરૂચ,
વાગરા પોલીસે મુલેર ગામની ચોકડી પરથી મોટી કાર્યવાહી હાથ ધરી ONGCના એસ.એસ. વાલ્વની ચોરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે મુલેર ચોકડી પર વોચ ગોઠવવામાં આવી હતી.ગંધાર તરફથી સ્પ્લેન્ડર મોટરસાયકલ પર આવી રહેલા બે શખ્સોને અટકાવી તેમની તલાશી લેવામાં આવતા તેમની પાસેથી બે એસ.એસ.વાલ્વ અને બે એલબો મળી આવ્યા હતા.પોલીસે વાલ્વ અંગે આધાર-પુરાવા માંગતા બંને શખ્સો કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા.કડક પૂછપરછ દરમ્યાન તેમણે કબૂલાત કરી હતી કે આ એસ.એસ. વાલ્વ ONGCના ગંધાર સ્થિત DTYS વિસ્તારમાંથી ચોરી કરી નજીકની બાવળીમાં સંતાડી રાખ્યા હતા અને બાદમાં તેને વેચવા માટે લઈ જઈ રહ્યા હતા.
વાગરા પોલીસના ભોપાભાઈ અને સુરેશભાઈની સતર્ક કામગીરીના કારણે સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી જીજે 16 સીકે 3588 નંબરની સ્પ્લેન્ડર મોટરસાયકલ,અંદાજે 80 કિલોગ્રામ સ્ટીલ સહિત કુલ 40,400નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.આ કેસમાં મુલેર ગામના અશોક મોતીભાઈ દેવીપૂજક અને ખોડા ભીખા દેવીપૂજકની અટકાયત કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ONGC જેવી મહત્વની જાહેર સંપત્તિની ચોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવતી વાગરા પોલીસની આ કામગીરીને નોંધપાત્ર સફળતા માનવામાં આવી રહી છે.




