– ભરૂચ જીલ્લા પંચાયતના જવાબદાર અધિકારીઓ બેદરકાર અપ્રુવલ આપતા નથી
– જીલ્લા વિકાસ અધિકારી સોશ્યલ મીડીયામાં સકિય છે સ્ટાફ થકી ચાલતી લાલીયાવડી બાબતે અજાણ છે!!!
(વિજય વસાવા,નેત્રંગ)
રાજય સરકાર દ્વારા જન્મ અને મરણના દાખલા કાઢવાની પ્રકિયામાં કરવામાં આવેલા નવા ફેરફારથી નેત્રંગ તાલુકા સહિત ભરૂચ જીલ્લાના નાગરિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. અગાઉ તલાટી કમ મંત્રીની મંજૂરીથી સરળતાથી મળતા દાખલા માટે હવે જીલ્લા કક્ષાએથી એપ્રુવલ લેવું ફરજિયાત કરવામાં આવ્યું છે.આ નવા વહીવટી નિર્ણયના કારણે અરજદારોને છેલ્લા એક મહિનાથી ગ્રામપંચાયત કચેરીઓના ધરમધકકા ખાઇને તોબાપોકારી ઉઠ્યા છે.
સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ તેમજ અન્ય કામો માટે જન્મ-મરણના દાખલા ખૂબ જ અગત્યના દસ્તાવેજો છે.અગાઉ આ કામગીરી ગ્રામ પંચાયત કક્ષાએ થતી હતી અને તલાટીની મંજૂરીથી લોકોને ત્વરીત દાખલા મળી રહેતા હતા. પરંતુ સરકાર દ્રારા સિસ્ટમ અપડેટ કરવાના બહાને એક નવો પરિપત્ર બહાર પાડીને તલાટીને બદલે જીલ્લા પંચાયતની જન્મ-મરણ શાખામાં મંજુરી આપવાની સતા સોંપવામાં આવી છે.આ વેવસ્થા તાલુકામાં સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ રહી છે.ગ્રામ પંચાયત કક્ષાએ થી ઓનલાઈન પોર્ટલ પર નોંધણી તો થઈ જાય છે.ભરૂચ જીલ્લા પંચાયત ની જન્મ-મરણ શાખા માંથી મંજુરી ન મળવાને કારણે દાખલા ઈશ્યુ કરી શકાતા નથી.
નેત્રંગ નગર સહિત ૭૮ ગામના અરજદારો છેલ્લા એક માસથી જન્મ-મરણના દાખલા મેળવવા માટે ધરમધકકા ખાઇને તોબાપોકારી ઉઠ્યા છે.આને લઈને તલાટી કમ મંત્રીઓ સાથે અરજદારો વચ્ચે રોજેરોજ ધર્ષણ તેમજ જીભાજોડી થઈ રહી છે.આ બાબતે નેત્રંગ તાલુકા પંચાયત ના ટીડીઓ હરીશ પટેલને પણ અરજદારોએ રજૂઆત કરતા જણાવે છે કે જીલ્લા ખાતે આ બાબતે લેખિત રજૂઆત કરવામાં આવેલ છે.
ભરૂચ જીલ્લા પંચાયતમાં કર્મચારીઓ થકી ચાલતી લાલિયાવાડીને લઈ ને સામાન્ય અરજદારો હેરાનપરેશાન થઈ રહ્યા છે.તે બાબતે જીલ્લા વિકાસ અધિકારી દયાન આપી અરજદારોને છેલ્લા એક માસથી જન્મ-મરણ ના દાખલા મેળવા ધરમધકકા માંથી મુક્તિ અપાવશે ખરા?




