– 3 આરોપીઓની અટકાયત કરી 40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો : મકાનને સીલ કરવામાં આવ્યું
ભરૂચ,
અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં મકાન ભાડેથી રાખી અંદર ડ્રગ્સનું ઉત્પાદન કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે.DRIની ટીમે દરોડા પાડી રૂ.40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.સાથે જ 3 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.
ભરૂચ જીલ્લાના અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલી ઉમિયા ફાર્મ સોસાયટીમાં ભાડે રાખવામાં આવેલા મકાનમાં ચાલતી ડ્રગ્સ બનાવવાની મીની ફેક્ટરીનો દિલ્હી અને સુરતની DRI (ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સ)ની સંયુક્ત કાર્યવાહીમાં પર્દાફાશ થયો છે.દરોડા દરમ્યાન અંદાજે રૂ. 40 લાખની કિંમતનું મેફેડ્રોન (MD) ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. ઉપરાંત ડ્રગ્સના ઉત્પાદન માટે વપરાતું રૉ મટીરિયલ અને અન્ય સામગ્રી પણ મળી આવી હતી.મકાનના રૂમમાં કેમિકલ પ્રોસેસ માટે લેબ તૈયાર કરાય હોવાનું બહાર આવ્યું છે.તપાસ એજન્સીએ સમગ્ર સામગ્રી કબ્જે કરીને મકાનને સીલ કરી દીધું છે.આ મામલે ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. તેમની પૂછપરછના આધારે ડ્રગ્સના ઉત્પાદન અને સપ્લાય ચેઇન સાથે સંકળાયેલા અન્ય લોકો સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.DRI દ્વારા સમગ્ર કેસમાં વધુ તપાસ ચાલુ છે.તપાસ પૂર્ણ થયા બાદ ડ્રગ્સના નેટવર્ક અને અન્ય સંડોવાયેલા લોકો અંગે વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જીલ્લાના અનેક ઉદ્યોગો આવેલા છે જેના કારણે અનેક ફાર્મા કંપનીઓ કાર્યરત છે.ત્યારે અંકલેશ્વરમાં જીવન રક્ષક દવાઓના ઉત્પાદનની આડમાં ડ્રગસ બનાવતુ હોવાના કૌભાંડનો પર્દાફાશ થઈ ચુક્યો છે ત્યારે વધુ એક વખત નશાનો કાળો કારોબાર ઝડપાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.




