– ભરૂચ જિલ્લામાં ભારે વરસાદને પગલે વહીવટી તંત્ર સતર્ક : અધિકારીઓ દ્વારા પ્રત્યક્ષ સ્થળ મુલાકાત લઈ તકેદારી અને રાહત-બચાવના પગલાં લેવાયા
ભરૂચ,
ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક અને ભારે વરસાદની સ્થિતિને ધ્યાને રાખીને જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર ૨૪ કલાક સતત કામગીરી કરી રહ્યું છે.જનજીવન સુચારુ રહે અને નાગરિકોની જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત થાય તે માટે વિવિધ તાલુકાઓમાં પાણીના નિકાલ, સ્થળાંતર તેમજ રસ્તાઓ ખુલ્લા કરવાની કામગીરી યુદ્ધના ધોરણે કામગીરી પૂરી કરવામાં આવી રહી છે.
નાગરિકોની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વિવિધ તાલુકાઓના ઉચ્ચ અધિકારીઓ દ્વારા અસરગ્રસ્ત તથા સંવેદનશીલ વિસ્તારોની પ્રત્યક્ષ મુલાકાત લઈને જરૂરી તકેદારીના પગલાં અને પાણીના નિકાલની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
શહેરી વિસ્તારમાં તેમજ કોઝવે પર વરસાદી પાણી સાથે તણાઈ આવેલો કચરો, ઝાડી-ઝાંખરા અન્ય કચરા સહિતના અવરોધો દૂર કરવામાં આવી રહ્યા છે. કોઈ પણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા જેસીબી મશીન અને ટીમને સ્થળ પર ‘સ્ટેન્ડ બાય’ રાખી પાણીના વહેણ પર સતત નજર રાખવામાં આવી રહી છે. સાથોસાથ, વિવિધ વિસ્તારોમાં પણ સતત દેખરેખ રાખીને ત્વરિત સ્વચ્છતા અને પાણીના નિકાલ કરી નાગરિકોની સુવિધા સુનિશ્ચિત કરવા તંત્ર ખડેપગે છે.
લાયઝન અધિકારી અને નાયબ કલેક્ટર (સ્ટેમ્પ ડ્યુટી, ભરૂચ) તથા મામલતદાર આમોદ દ્વારા પૂરસા ગામે સ્થળ મુલાકાત લેવામાં આવી હતી.પાણીના ભરાવાને કારણે જોખમી બનેલા રસ્તા પરથી વાહનવ્યવહાર તથા લોકોની અવરજવર બંધ કરાવવા ગ્રામજનોને સમજાવવામાં આવ્યા હતા અને સુરક્ષાના ભાગરૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
જંબુસર પ્રાંત અધિકારી દ્વારા ઢાઢર નદીના કિનારે આવેલા મગણાદ અને કુંઢળ ગામની મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી અને સ્થાનિક તંત્રને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.આ ઉપરાંત મામલતદાર જંબુસર દ્વારા ઠાકોર તલાવડી ગામની મુલાકાત લેવામાં આવી હતી.ગામની બહાર ભરાયેલા વરસાદી પાણીના ઝડપી નિકાલ અર્થે GIDCના અધિકારીઓ સાથે સીધો સંપર્ક સાધીને તાત્કાલિક નિકાલ કરાવવા માટેની દિશાનિર્દેશો આપવામાં આવ્યા હતા.
ભરૂચ પ્રાંત અધિકારી અને મામલતદાર ભરૂચ (ગ્રામ્ય) દ્વારા હિંગલ્લા ખાતે કરેણી ખાડીનું પાણી ઓવરટોપ થતાં તાત્કાલિક અસરથી રસ્તા પરની અવરજવર બંધ કરાવીને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.તેમજ ભરૂચ ગ્રામ્ય વિસ્તાર ખાતે પાણી ભરાવાની સમસ્યા સર્જાતાં, ડીવોટરિંગ પંપ મારફતે પાણીનો ઝડપી નિકાલ કરવામાં આવી રહ્યો છે.
ભરૂચ શહેરના પાણી ભરાયેલા વિસ્તારો જેવા કે આરજૂ સોસાયટી અને મનુબર ચોકડી ખાતે ચીફ ઓફિસરશ્રી તથા GSRDCના અધિકારીઓએ સંયુક્ત મુલાકાત લીધી હતી. નગરપાલિકા અને GSRDC મારફત પાણીના નિકાલ માટેની જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
આ ઉપરાંત, ઉમરાજ અને નંદેલાવ વિસ્તારની સોસાયટીઓમાં ભરાયેલા પાણીના નિકાલ માટે કોમ્પ્રેસર મશીન દ્વારા ગટર લાઇન સાફ કરાવવામાં આવી છે.ભવિષ્યમાં પાણી ન ભરાય તે માટે તલાટી કમ મંત્રી અને સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓને સાથે રાખીને સ્થળ તપાસ હાથ ધરવામાં આવી છે.
મામલતદાર અંકલેશ્વર દ્વારા આમલાખાડી પાસે આપવામાં આવેલા ડાયવર્ઝન પર પાણી ફરી વળતાં પરિસ્થિતિની ગંભીરતા સમજીને સ્થળ મુલાકાત લેવામાં આવી હતી.
વધુમાં, મામલતદાર અંકલેશ્વર દ્વારા ધંતુરીયા ગામની પણ મુલાકાત લેવામાં આવી હતી.જેમાં ગ્રામજનોને ભારે વરસાદ સામે જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી હતી તેમજ કોયલી ધંતુરીયાના ફળિયામાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે સમજાવવામાં આવ્યા હતા.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને સતર્કતા દાખવી તંત્રની સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.




