– ધો ૯ માં ભણતો કિશોર સવારે ૭ વાગ્યે સાયકલ લઈને ટ્યુશને જતો હતો ત્યારે રસ્તામાં અકસ્માત થયો
(જ્યશીલ પટેલ, ઝઘડીયા)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાનો વિસ્તાર ધીમેધીમે અકસ્માત ઝોન બની રહ્યો હોય એમ રોજબરોજ કોઈને કોઈ અકસ્માતની ઘટના સામે આવી રહી છે.આવાજ એક અકસ્માતની ઘટનામાં ઝઘડિયા નગરમાં સાયકલ લઈને ટ્યુશન કરવા જતા ૧૩ વર્ષીય કિશોરની સાયકલને એક ફોર વ્હિલર વાનના ચાલકે અડફેટમાં લેતા ગંભીર રીતે જખ્મી થયેલ કિશોરને સારવાર માટે અંકલેશ્વર લઈ જવાયો હતો.
અકસ્માતની આ ઘટનાની મળતી વિગતો અનુસાર ઝઘડિયાના અંબાજી મંદિર પાસે રહેતા કિરણસિંહ મોહનસિંહ રાઠોડનો ૧૩ વર્ષીય દિકરો જયરાજસિંહ રાઠોડ નવમાં ધોરણમાં ભણે છે,ગતરોજ તા.૫ મીના રોજ સવારે સાત વાગ્યે જયરાજ સાયકલ લઈને મહાલક્ષ્મી વાડી નજીક ટ્યુશન ક્લાસમાં જવા નીકળ્યો હતો.તે સાયકલ લઈને જઈ રહ્યો હતો તે દરમ્યાન મહાલક્ષ્મી વાડી નજીક વડ પાસે પહોંચતા એક ફોર વ્હિલર વાનના ચાલકે જયરાજસિંહની સાયકલને અડફેટમાં લેતા જયરાજસિંહ ઈજાગ્રસ્ત થયો હતો.ઘટનાની જાણ થતા તેના પરિવારજનો સ્થળ ઉપર દોડી આવ્યા હતા.ઈજાગ્રસ્ત જયરાજસિંહને સારવાર માટે ઝઘડિયા સેવારૂરલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો.જ્યાંથી તેને વધુ સારવાર માટે અંકલેશ્વર લઈ જવાયો હતો.
અકસ્માત કરનાર ફોર વ્હિલર વાન ઝઘડિયાના કેયુરભાઈ ભટ્ટની હોવાની જાણ થઈ હતી.ફોર વ્હિલર વાનના ચાલકનું નામ જાણી શકાયું નહતું.અકસ્માતની આ ઘટના સંદર્ભે ઈજાગ્રસ્ત જયરાજસિંહના પિતા કિરણસિંહ મોહનસિંહ રાઠોડે ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા પોલીસે અકસ્માત કરનાર ફોર વ્હિલર વાનના ચાલક સામે ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.




