– મંદિરે આવતા દર્શનાર્થીઓ અને વાહનચાલકો પરેશાન
– સંસ્કાર વિદ્યાલય અને જે.બી.મોદી સ્કૂલ પાસે વિશાળ પાર્કિંગ હોવા છતાં વાહનો રોડ પર પાર્ક કરાતા હોબાળો
– સરકારી નિયમ છતાં સ્કૂલ કેમ્પસમાં વાહનોને પ્રવેશ ન અપાતાં વિદ્યાર્થીઓએ ભારે બેગ ઊંચકીને અવર જ્વર કરવી પડી રહી છે
ભરૂચ,
ભરૂચના ઝાડેશ્વર નિલકંઠેશ્વર વિસ્તારમાં આવેલી સંસ્કાર વિદ્યાલય અને જે.બી. મોદી વિદ્યાલયના સંચાલકોની બેદરકારીને કારણે મુખ્ય માર્ગ પર રોજ ગંભીર ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ રહી છે.બંને શાળાઓ પાસે પોતાનું વિશાળ પાર્કિંગ હોવા છતાં સ્કૂલ વાનોને કેમ્પસની અંદર પ્રવેશ આપવા દેવામાં આવતો નથી, જેને કારણે વાનચાલકો મજબૂરીવશ રોડ પર જ વાહનો ખડકી દે છે.આ પરિસ્થિતિના લીધે વિદ્યાર્થીઓ, ધાર્મિક સ્થળોએ આવતા શ્રદ્ધાળુઓ અને સ્થાનિક વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
નીલકંઠેશ્વર મહાદેવ મંદિર માત્ર ભરૂચ કે ગુજરાત પૂરતું સીમિત ન રહેતાં અન્ય રાજ્યોના શ્રદ્ધાળુઓ માટે પણ આસ્થાનું કેન્દ્ર છે. આગામી શ્રાવણ માસ દરમ્યાન અહીં હજારોની સંખ્યામાં શિવભક્તો પગપાળા તેમજ લક્ઝરી બસો અને ટ્રાવેલ્સ મારફતે દર્શનાર્થે આવે છે.મુખ્ય માર્ગ પર જ સ્કૂલ વાનોનો અડિંગો હોવાથી બહારગામથી આવતી બસો અને વાહનો કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાઈ જાય છે.આ જ માર્ગ પર બ્રહ્માકુમારીઝ સંસ્થાનું અનુભૂતિ ધામ પણ આવેલું છે,જ્યાં સવાર-સાંજ મોટી સંખ્યામાં અનુયાયીઓ આવતા હોય છે.રસ્તા પર ગેટ બહાર જ વાનો પાર્ક થઈ જતી હોવાથી તેમને પ્રવેશવામાં ભારે હાલાકી પડે છે.આ ઉપરાંત નીલકંઠ નર્સરી, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તથા આત્મીય સંસ્કાર કેન્દ્ર જેવા મહત્વના સ્થળોએ આવતા નાગરિકો પણ ટ્રાફિકના લીધે તંગ આવી ગયા છે.
તાજેતરમાં જ રાજ્ય સરકારે પરિપત્ર બહાર પાડીને પ્રાઇવેટ શાળાઓ માટે કમ્પાઉન્ડમાં પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવી ફરજિયાત કરી છે.આમ છતાં આ બંને શાળાઓ વાહનોને અંદર આવવા દેતી નથી.જેના પરિણામે નાના-નાના વિદ્યાર્થીઓએ પણ વજનદાર સ્કૂલબેગ ઊંચકીને મેઈન રોડ સુધી ચાલીને આવવું પડે છે, જે તેમના સ્વાસ્થ્ય અને સુરક્ષા સામે પણ મોટો સવાલ ઊભો કરે છે.તંત્ર દ્વારા આ મુદ્દે તાત્કાલિક કડક પગલાં લેવાય તેવી સ્થાનિકો અને વાલીઓની માંગ છે.




