– અંભેટા ગામનો યુવક ગેસનું KYC કરવા આમોદ આવતા અકસ્માત નડ્યો
ભરૂચ,
આમોદ તાલુકાના રોઝાટંકારીયા ગામ પાસે આજ રોજ સવારના ૯ કલાકે એક ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું.આમોદ પોલીસે અકસ્માત ગુનો નોધી ટ્રક ચાલકને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વાગરા તાલુકાના અંભેટા ગામના ૪૨ વર્ષીય વિજય લક્ષ્મણ પરમાર ગેસનું કે.વાય.સી. (KYC) કરાવવા માટે આમોદ તરફ આવી રહ્યા હતા ત્યારે સવારે ૯ કલાકે રોઝાટંકારીયા ગામ પાસે વળાંક ઉપર એક કન્ટેનર ટ્રક ચાલક નામે જાહુલ હુસૈન જુબેર રહે.જલ્લીવાસ જીમાવત, મેવાત પૂહના હરિયાણા નામના ચાલકે પોતાના કબજામાની ટ્રક પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી અંભેટા ગામના બાઇક ચાલક વિજય લક્ષ્મણ પરમારને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું.
અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રકને ઘટના સ્થળે જ મૂકી ફરાર થઈ ગયો હતો.બનાવની જાણ થતાં આસપાસના લોકો ઘટના સ્થળે ભેગા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી.આમોદ પોલીસે મૃતદેહનો કબજો મેળવી સામુહિક આરોગ્ય કેન્દ્ર આમોદ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે મૃતક યુવક દહેજની ખાનગી કંપનીમાં કરાર આધારિત નોકરી કરતો હતો.જેના પરિવારમાં પત્ની તેમજ એક ૧૫ વર્ષ અને એક ૧૩ વર્ષની બે બાળકીઓ છે.જેથી અંભેટા ગામમાં શોકનો માહોલ છવાયો હતો.




