– કપલસાડી ગામના ખાતેદારના ખેતીની જમીનના કોમ્પ્યુટરાઈઝ્ડ રેકર્ડમાં ભૂલ હોય અરજદારે નામ સુધારવા અરજી કરી હતી
– મામલતદારે એવા શેરા સાથે અરજી દફતરે કરી કે નાયબ મામલતદાર દ્વારા ખોટી રીતે અરજી સ્વીકારેલ છે!!
(જ્યશીલ પટેલ, ભરૂચ)
ઝઘડિયા મામલતદાર દ્વારા અરજદારોને અરજી સાથે રજૂ કરેલા પુરાવાનો અભ્યાસ કર્યા વગર જવાબ આપતા હોવાના આક્ષેપ કપલસાડી ગામના ખેડૂત ખાતેદારે કર્યો છે,ખેડૂત ખાતેદારે જણાવ્યું છે કે તેઓ કપલસાડી તા.ઝઘડિયાના રહેવાસી છે પોતાની ખેતીની જમીનના કોમ્પ્યુટરાઈઝ્ડ ૭/૧૨, ૮-અ માં પોતાના ભાઈ નાઝીમખાન યાકુબખાન પઠાણના નામની ભૂલ હોય તેમના દ્વારા ઝઘડિયા મામલતદાર કચેરીમાં ખેતીની જમીનના કોમ્પ્યુટરાઈઝ્ડ રેકોર્ડમાં નામ સુધારવા માટે હસ્ત લિખિત ૭/૧૨ ની નકલ, દસ્તાવેજની નકલ ઈન્ડેક્સની નકલ તથા કબુલાતના કાગળો સાથે ઓનલાઈન અરજી કરી હતી. ઝઘડિયા મામલતદાર દ્વારા અરજીનો જવાબ નહીં આપતા અરજદાર દ્વારા રૂબરૂ ઝઘડિયા મામલતદાર કચેરીમાં તપાસ કરવા પહોંચ્યા હતા.તે સમયે મામલતદાર કચેરીમાંથી તેમને પત્ર દ્વારા જવાબ આપેલ કે તમારી અરજી દફતરે કરવામાં આવી છે અને તેમાં કારણ દર્શાવ્યું હતું કે ફેરફાર નોંધ નંબર ૪૬૦૯ તા. ૯.૩.૧૭ થી પ્રામોલગેશન નોંધ થયેલ હોય અને નાયબ મામલતદાર દ્વારા ખોટી રીતે સ્વીકારેલ હોય તેથી આપની અરજી દફતરે કરવામાં આવે છે.ત્યાર બાદ અરજદાર અયાઝખાન યાકુબખાન પઠાણ દ્વારા મામલતદાર પાસે આર.ટી.આઈ હેઠળ ફેરફાર નો નંબર ૪૬૦૯ ના કબુલાતના કાગળો તેમજ પ્રમોલગેશનના હુકમ કરવામાં આવ્યો તેના કબુલાતના કાગળોની પ્રમાણીત નકલ માંગવામાં આવી હતી.તેઓને મામલતદાર કચેરી દ્વારા માહિતી સમય મર્યાદામાં મળેલ ન હતી.જેથી અરજદારે નાયબ કલેક્ટર કચેરી ખાતે અપીલમાં જવાની તૈયારી દર્શાવી હતી.ત્યારે આપેલી અપીલની તારીખે મૌખિકમાં મામલતદાર કચેરીના કર્મચારીઓ દ્વારા જણાવેલ કે તમે નવેસરથી ઓનલાઇન અરજી કરી નાખો, તમારા ભાઈનું નામ સુધરી જશે!
ત્યારે ઝઘડિયા મામલતદાર કચેરીના કર્મચારીઓ સામાન્ય નામ માં ભૂલ હોય તેને ત્વરિત સુધારો કરી આપવાના બદલે ઝઘડિયાના મામલતદાર જ નાયબ મામલતદાર દ્વારા ખોટી અરજી સ્વીકારી છે અને તેને દફતર કરવામાં આવે છે એવા બિન જવાબદારી ભર્યા લેખિતમાં જવાબ આપે તે કેટલા અંશે વ્યાજબી છે અને તે મામલતદારની ક્ષમતા દર્શાવે છે ! જે કામ મામલતદાર કચેરી લેવલેથી જ પૂરૂ થતું હોય તે ન કરીને અરજદાર દ્વારા જ્યારે આરટીઆઈ હેઠળ માહિતી નહીં મળતા અપીલમાં ગયા ત્યારે મૌખિકમાં મામલતદાર કચેરી દ્વારા જણાવવામાં આવ્યું કે અરજી ફરીથી કરી નાખો તમારા ભાઈનું નામ સુધરી જશે! તો આના પરથી સ્પષ્ટ થાય છે કે ઝઘડિયા મામલતદાર કચેરીનો સ્ટાફ શું અરજદારોને ધરમધક્કા ખવડાવામાં જ માને છે?!




