– સારવાર માટે હોસ્પિટલ લઈ જઈ રહેલા માતા-પિતાની નજર સામે જ બાળક ઈજાગ્રસ્ત થયો
ભરૂચ,
ભરૂચના આર.કે. કાસ્ટા શોપિંગ સેન્ટરમાં લિફ્ટમાં સર્જાયેલી ટેકનિકલ ખામીને પગલે કરુણ અકસ્માત સર્જાયો હતો.બીમાર 4 વર્ષીય બાળકને સારવાર માટે હોસ્પિટલ લઈ જઈ રહેલા માતા-પિતાની નજર સામે જ બાળક લિફ્ટ અને ફ્લોર વચ્ચેના ખાંચા માંથી ગ્રાઉન્ડ ફ્લોર પર પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.બાળકને ભરૂચમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ.ભરૂચ નજીકના જુના તવરા ગામના તીર્થરાજસિંહ પરમાર (ઉંમર 4 વર્ષ) છેલ્લા બે-ત્રણ દિવસથી બીમાર હતો.જેથી તેના માતા- પિતા તેને આર.કે.કાસ્ટા કોમ્પ્લેક્સમાં આવેલી ચાઈલ્ડકેર હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા હતા.પરિવાર બહારની તરફ આવેલી લિફ્ટમાં બેસીને ઉપર જઈ રહ્યો હતો ત્યારે બીજા માળે પહોંચતા અચાનક ટેકનિકલ ખામી સર્જાતા લિફ્ટ ખોટકાઈ ગઈ હતી.
લિફ્ટ અટકી જતાં પરિવાર ગભરાઈ ગયો હતો અને મદદ માટે બૂમાબૂમ કરી હતી.જાણ થતાં સિક્યુરિટી ગાર્ડ સહિત આસપાસના લોકો દોડી આવ્યા હતા.લિફ્ટનો દરવાજો ખોલીને પરિવારને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો.આ દરમ્યાન લિફ્ટ ફ્લોર લેવલથી ઉપર-નીચે થઈ જતાં લિફ્ટ અને બીજા માળના ફ્લોર વચ્ચે મોટો ગેપ સર્જાયો હતો.
પરિવાર બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યો હતો તે દરમિયાન 4 વર્ષીય તીર્થરાજનું સંતુલન ગુમાવતા તે લિફ્ટ અને ફ્લોર વચ્ચેના ખાંચામાંથી સીધો નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર પટકાયો હતો. ધડામ સાથે નીચે પટકાતા બાળક ના માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. ઘટનાને પગલે સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. આસપાસના લોકોએ બાળકને તાત્કાલિક બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડ્યો હતો.બાળકની સ્થિતિ ગંભીર હોવાથી ભરૂચમાં પ્રાથમિક સારવાર બાદ તેને વડોદરા રીફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાને પગલે લિફ્ટની સેફ્ટી અને મેઈન્ટેનન્સ વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે.સ્થાનિક ચર્ચા મુજબ, ઘટનાના દિવસે સવારે પણ લિફ્ટમાં ખામી સર્જાઈ હતી અને કેટલાક લોકો ફસાયા હોવાની વાત સામે આવી રહી છે.અગાઉથી ખામીની જાણ હોવા છતાં લિફ્ટ બંધ કેમ ન કરાઈ તે અંગે પણ સવાલો ઉઠ્યા છે.
ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી લિફ્ટને સીલ કરી હતી.પોલીસે જાણવાજોગ નોંધ કરી લિફ્ટ એજન્સી તથા કોમ્પ્લેક્સ મેનેજમેન્ટની જવાબદારી અંગે તપાસ શરૂ કરી છે. લિફ્ટની ટેકનિકલ ખામી, મેઈન્ટેનન્સ અને સેફ્ટી વ્યવસ્થામાં બેદરકારી થઈ હતી કે કેમ તે તપાસ બાદ સ્પષ્ટ થશે.




