(વિજય વસાવા,નેત્રંગ)
ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં આવેલા પઠાર ગામમાંથી લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં થતા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગામની એક સ્થાનિક દુકાનમાંથી ખરીદવામાં આવેલા લોટના પેકેટમાંથી ઈયળો નીકળતાં ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.પ્રાથમિક તપાસમાં આ લોટના પેકેટ પર દર્શાવેલી એક્સપાયરી ડેટ (વાપરવાની અંતિમ તારીખ) પૂર્ણ થઈ ચૂકી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.
ઘટનાની વિગત મુજબ, જ્યારે ગ્રાહકે લોટમાંથી ઈયળો નીકળવાની અને એક્સપાયરી ડેટ પૂર્ણ થઈ ગઈ હોવાની બાબતે દુકાનદારને સવાલ પૂછ્યો,ત્યારે દુકાનદારે પોતાની ભૂલ સ્વીકારવાને બદલે “ડેટ જોઈને જ માલ લઈ જવો” તેવો અત્યંત બેજવાબદાર અને આકરો જવાબ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.વેપારીના આવા વલણને કારણે સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.
ગ્રામ્ય અને આદિવાસી બહુલ વિસ્તારોમાં મોટાભાગના લોકો શિક્ષિત ન હોવાથી કે પેકેટ પર લખેલી ટેકનિકલ વિગતો વાંચી શકતા ન હોવાથી આવા કિસ્સાઓ અત્યંત ગંભીર સ્વરૂપ ધારણ કરે છે. લોકો વેપારી પર વિશ્વાસ રાખીને વસ્તુઓ ખરીદતા હોય છે, પરંતુ આવા અસામાજિક કે બેદરકાર વેપારીઓ લોકોની અજ્ઞાનતાનો ગેરલાભ ઉઠાવીને વાસી અને એક્સપાયર થયેલો માલ પધરાવી રહ્યા છે.
ફૂડ એન્ડ સેફ્ટી એક્ટ મુજબ એક્સપાયરી ડેટ પૂર્ણ થયેલા ખાદ્યપદાર્થોનું વેચાણ કરવું એ કાયદાકીય ગુનો છે.આ પ્રકારનો ખરાબ અને ઈયળોવાળો ખોરાક ખાવાથી ઝાડા-ઊલટી, ફૂડ પોઈઝનિંગ કે અન્ય ગંભીર શારીરિક બીમારીઓ થવાનું જોખમ રહેલું છે.
શું વાલિયા તાલુકામાં ગ્રામજનોના સ્વાસ્થ્યની કોઈ કિંમત નથી?
એક્સપાયરી ડેટ પૂર્ણ થઈ ગયેલો લોટ જથ્થાબંધ વેપારીઓ પાસેથી છેક દુકાન સુધી કેવી રીતે પહોંચ્યો?
આદિવાસી અને અંતરિયાળ વિસ્તારોમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું ચેકિંગ માત્ર કાગળ પર જ સીમિત છે?
વાસી માલ વેચીને લોકોના આરોગ્ય સાથે રમત રમતા વેપારીઓ સામે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ક્યારે કડક સપાટો બોલાવશે?
આ ઘટનાને પગલે પઠાર ગામ અને આસપાસના વિસ્તારોમાં ભારે વિરોધનો સૂર ઊઠ્યો છે.સ્થાનિક નાગરિકોની માંગ છે કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તાત્કાલિક અસરથી પઠાર ગામની સંબંધિત દુકાન પર દરોડા પાડી ખાદ્યપદાર્થોના સેમ્પલ લે અને જવાબદાર વેપારી સામે કડક કાયદાકીય કાર્યવાહી કરે.આ સાથે જ સમગ્ર વાલિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની દુકાનોમાં નિયમિતપણે ગુણવત્તા અને એક્સપાયરી ડેટનું ચેકિંગ કરવામાં આવે તેવી લોકમાંગ બુલંદ બની છે.




