– 30 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે, તો કેમ દારૂબંધી લાગુ નથી કરાવી શકતા? : નિરંજન વસાવા, નર્મદા જિલ્લા પ્રમુખ AAP
ભરૂચ,
ભાવનગર લઠ્ઠાકાંડમાં જેમણે પોતાના જીવ ગુમાવ્યા અને જે પરિવારો અનાથ બન્યા, તેમના ન્યાય અને ગૃહમંત્રીના રાજીનામાની માંગ સાથે આજે આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર કલેક્ટર કચેરી સામે વિરોધ પ્રદર્શન કર્યું. આજે નર્મદા જિલ્લા ખાતે પણ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમ દરમ્યાન આમ આદમી પાર્ટીના નેતા નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે ગુજરાતના તમામ વિસ્તારોમાં લઠ્ઠાકાંડ થાય છે,લોકો મૃત્યુ પામે છે કારણકે દારૂબંધી નામની છે. ગુજરાતમાં ખુલ્લેઆમ દેશી દારૂ, ઈંગ્લિશ દારૂની સાથે સાથે નકલી દારૂ પણ વેચાય છે,જેના કારણે લઠ્ઠાકાંડ થાય છે. ગુજરાતમાં ફેક્ટરીઓ આટલા મોટા પ્રમાણમાં દારૂ કઈ રીતે બનાવે છે? સામાન્ય અને ગરીબ લોકો નકલી દારૂ પીને મોતને ભેટે છે.આ લઠ્ઠાકાંડમાં 9થી 10 નું મૃત્યુ પામ્યા એનો જવાબદાર કોણ? ભાજપમાં બેસેલા નેતાઓ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ખુલ્લેઆમ દારૂનો ધંધો કરે છે.
વધુ આમ આદમી પાર્ટીના નેતા નિરંજન વસવાએ જણાવ્યું હતું કે, હેલ્મેટ, લાઇસન્સ, પીયુસી માટે આ લોકો ગાડી અને બાઈકને પકડી લે પરંતુ અલગ અલગ સરહદોમાંથી દારૂ કઈ રીતે ગુજરાતમાં એન્ટ્રી લે છે? ફેક્ટરીઓમાં દારૂ બનતો હોય અને બીજા રાજ્યમાંથી આવતો હોય એ તમામ દારૂ નેતાઓ અને અધિકારીઓના આદેશથી અલગ અલગ જિલ્લાઓમાં સપ્લાય થઈ જાય છે.પીઆઈ કે પીએસઆઈને સસ્પેન્ડ કરવાની વાતો આવે છે પરંતુ જો સસ્પેન્ડ કરવા હોય તો ઉચ્ચ અધિકારીઓને સસ્પેન્ડ કરો. ભાજપના નેતાઓ અને ઊંચા પદ પર બેસેલા અધિકારીઓ પર શા માટે એક્શન લેવામાં આવતું કેમ નથી? જો આ લોકો પર એક્શન લેવામાં આવે તો દારૂબંધી લાગુ કરી શકાય એમ છે. કમલમમાં બેસેલા નેતાઓ અને ગૃહમંત્રીએ રાજીનામું આપવું પડે એમ છે કારણ કે હર્ષ સંઘવીના નેતૃત્વમાં ત્રણ લઠ્ઠાકાંડ થયા છે જેમાં અનેક લોકો મૃત્યુ પામ્યા છે. જરૂર પડશે તો લોકો ગાંધીનગર તરફ કુચ કરશે અને હર્ષ સંઘવીના નિવાસસ્થાનનું ઘેરાવ કરવામાં આવશે. 30 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે તો કેમ દારૂબંધી લાગુ નથી કરાવી શકતા?




