ભરૂચના મુન્શી સંકુલ ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ફાયર સેફટી અવેરનેસ ટ્રેનિંગનું આયોજન

SHARE:

ભરૂચ,

મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ (MMMCT), ભરૂચ દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીના સહયોગથી મુન્શી સંકુલ ભરૂચ ખાતે સંસ્થાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ તથા સ્ટાફમિત્રો માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ફાયર સેફટી અવેરનેસ ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તાલીમ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ તથા સ્ટાફમાં કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓ સમયે સ્વબચાવ, અન્ય વ્યક્તિઓની સલામત રીતે મદદ, ઈમરજન્સી સમયે યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા તથા ફાયર સેફટી અંગે જાગૃતિ કેળવવાનો હતો.

કાર્યક્રમ દરમ્યાન ભરૂચ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમની વાલીયા ગ્રુપ-૧૦ની ડિઝાસ્ટર ટીમ દ્વારા વિદ્યાર્થીઓ તથા સ્ટાફને વિવિધ પ્રકારની આપત્તિઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભૂકંપ,આગ, પૂર, ભારે વરસાદ, ઔદ્યોગિક અકસ્માત તેમજ અન્ય કટોકટીની પરિસ્થિતિઓમાં કઈ રીતે સાવચેતી રાખવી, ગભરાયા વિના પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો અને પોતાની તેમજ અન્ય લોકોની સલામતી માટે કયા જરૂરી પગલાં લેવા તે અંગે સમજ આપવામાં આવી હતી.તાલીમ દરમ્યાન આપત્તિના સમયે ઉપયોગમાં લેવાતી વિવિધ સેફટી ઇક્વિપમેન્ટ, રેસ્ક્યુ સાધનો, સુરક્ષા ઉપકરણો અને જરૂરી મશીનરી અંગે વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી.માત્ર થિયરી આધારિત સમજણ પૂરતી ન રાખતા, ડિઝાસ્ટર ટીમ દ્વારા વિવિધ સાધનોના ઉપયોગ અંગે પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન પણ આપવામાં આવ્યું હતું.જેના કારણે વિદ્યાર્થીઓને આપત્તિના સમયે બચાવ કામગીરી કેવી રીતે કરવામાં આવે છે તેની વાસ્તવિક સમજ મળી હતી.

વધુમાં સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને આગની પરિસ્થિતિમાં યોગ્ય રીતે પ્રતિસાદ આપવાની સમજ મળે તે હેતુથી ફાયર સેફટી અંગે મોકડ્રિલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ફાયર સિસ્ટમ, ફાયર એક્સ્ટિંગ્વિશર તથા આગ લાગવાના સંજોગોમાં લેવામાં આવતી સાવચેતી અંગે વિદ્યાર્થીઓને પ્રાયોગિક રીતે માહિતગાર કરવામાં આવ્યા હતા.ફાયર એક્સ્ટિંગ્વિશરનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો, આગની શરૂઆતની પરિસ્થિતિમાં કઈ રીતે સાવચેતીપૂર્વક કાર્યવાહી કરવી અને જરૂરી સમયે સલામત સ્થળે કેવી રીતે સ્થળાંતર કરવું તે અંગે પ્રેક્ટિકલ ડેમો દ્વારા સમજ આપવામાં આવી હતી.

 

મોકડ્રિલ દરમ્યાન વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને આપત્તિના સમયે “પહેલા પોતાની સલામતી, ત્યાર બાદ અન્યની મદદ”ના સિદ્ધાંતને સમજ્યો હતો. સાથે સાથે ઈમરજન્સી સમયે શાંતિ જાળવવી, સૂચનાઓનું પાલન કરવું, ભીડ ન કરવી અને પ્રશિક્ષિત વ્યક્તિઓના માર્ગદર્શન મુજબ કાર્ય કરવું જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.આ સમગ્ર કાર્યક્રમ વિદ્યાર્થીઓ અને સ્ટાફમિત્રો માટે માત્ર એક તાલીમ કાર્યક્રમ ન રહેતા,આપત્તિ વ્યવસ્થાપન, ફાયર સેફટી, સ્વબચાવ અને સામૂહિક સુરક્ષા અંગે જાગૃતિ વધારતો એક અત્યંત ઉપયોગી અને પ્રાયોગિક અવેરનેસ પ્રોગ્રામ સાબિત થયો હતો.આવા તાલીમ કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં જવાબદારી, સતર્કતા, આત્મવિશ્વાસ અને ઈમરજન્સી પરિસ્થિતિનો સામનો કરવાની ક્ષમતા વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

 

કાર્યક્રમના અંતે મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ, ભરૂચ દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી, ભરૂચ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ તથા વાલીયા ગ્રુપ-૧૦ની ડિઝાસ્ટર ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સંસ્થાએ વિદ્યાર્થીઓ અને સ્ટાફને આપત્તિ વ્યવસ્થાપન તથા ફાયર સેફટી અંગે મહત્વપૂર્ણ અને વ્યવહારુ જ્ઞાન આપવા બદલ સમગ્ર ટીમનો આભાર માન્યો હતો.મુન્શી ટ્રસ્ટ દ્વારા ભવિષ્યમાં પણ વિદ્યાર્થીઓ અને સ્ટાફની સલામતી, સુરક્ષા અને આપત્તિ સમયે યોગ્ય પ્રતિસાદ ક્ષમતા વધારવા માટે આવા તાલીમ, મોકડ્રિલ અને જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!