આમોદ તાલુકાના સમની ગામે એક્સપાયરી અને ઉંદરે કાતરેલો માલ વેચાતો હોવાના આક્ષેપ!

SHARE:

ભરૂચ,
આમોદ તાલુકાના સમની ગામે લોકોના આરોગ્યને જોખમમાં મુકતી ગંભીર ઘટના સામે આવી છે.જેમાં ગામમાં આવેલી એક કરિયાણાની દુકાનમાં માત્ર થોડા રૂપિયાની નફાખોરી માટે નિર્દોષ નાગરિકો અને ખાસ કરીને નાના માસૂમ બાળકોના જીવન સાથે ખુલ્લેઆમ જીવલેણ રમત રમાઈ રહી હોવાનું જાણવા મળ્યું છે.સમની ગામે મુદત વીતી ચૂકેલા ખાદ્યપદાર્થો અને બિસ્કિટના પેકેટો બિન્દાસ્તપણે પધરાવી રહેલા દુકાનદારને સ્થાનિક રહીશ અને પૂર્વ સરપંચ ભરતભાઈ પટેલે પુરાવા સાથે રંગેહાથ ઝડપી પાડતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. દુકાનમાં વેચાતા પેકેટોની સ્થિતિ એટલી હદે વણસેલી હતી કે ઉંદરોએ કાતરી નાખેલા ખાદ્ય સામગ્રીના પેકેટ પર દુકાનદારે ખુલ્લેઆમ સેલોટેપ ચોંટાડીને ગ્રાહકોને પધરાવવાનું ષડયંત્ર રચ્યું હતું.આશ્ચર્ય અને આક્રોશની વાત એ છે કે આ જ વેપારીને આશરે ત્રણ મહિના અગાઉ પણ એક્સપાયરી માલ ન વેચવા બાબતે પૂર્વ સરપંચે કડક શબ્દોમાં ચેતવણી આપી હતી તેમ છતાં, કાયદા અને માનવતાને નેવે મૂકીને નિર્દોષ લોકોના પેટમાં ઝેર પીરસવાનો આ કાળો કારોબાર બેરોકટોક ચાલુ રખાયો હતો. જ્યારે સ્થાનિકોએ આ અંગે દુકાનદારને ઘેર્યો ત્યારે કોઈ પણ પ્રકારના પસ્તાવા વગર ભૂલથી રહી ગયું જેવા ખોખલા બહાના બનાવીને સમગ્ર મામલા પર ઢાંકપિછોડો કરવાનો હીન પ્રયાસ કરવામાં આવ્યો હતો.સ્થાનિક જાગૃત નાગરિકોએ દુકાનદારની સમગ્ર કરતૂતનો પર્દાફાશ કરતો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા જ તંત્રની ઘોર નિષ્ક્રિયતા સામે પણ સવાલો ઉભા થયા છે. ગ્રામજનોમાં ભભૂકી ઉઠેલા પ્રચંડ રોષ વચ્ચે ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ વિભાગ તેમજ સ્થાનિક વહીવટી તંત્ર તાબડતોબ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગી લોકોના સ્વાસ્થ્ય સાથે રમત રમતા બેજવાબદાર દુકાનદાર સામે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!