– સરકારની યોજનાઓ હોય કે શિષ્યવૃત્તિ, શિક્ષકોએ બાળકો સાથે એક માતા-પિતા તરીકે રહીને ઉત્તમ કાર્ય કર્યું છે : જિલ્લા પંચાયત પ્રમુખ નીરજભાઈ પટેલ
(ગણપત મકવાણા, પંચમહાલ)
ગોધરા સ્થિત બી.આર.જી.એફ.ભવન જિલ્લા પંચાયત ખાતે ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ નિમિત્તે પંચમહાલ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાના શિક્ષક દિનની ઉજવણી તથા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ ૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા પંચાયત પ્રમુખ નીરજભાઈ પટેલે જણાવ્યું હતું કે, ‘બેક ટુ સ્કૂલ’ અભિયાન હોય, શિષ્યવૃત્તિ કે સરકારની અન્ય યોજનાઓ હોય, શિક્ષકોએ બાળકો સાથે માત્ર એક શિક્ષક તરીકે જ નહીં પરંતુ માતા-પિતા તરીકે રહીને ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. તેમણે તમામ શ્રેષ્ઠ શિક્ષકોના યોગદાનને વંદન કર્યા હતા. આ ઉપરાંત, પંચમહાલના રઘુભાઈને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળવા બદલ તેમણે વિશેષ અભિનંદન પાઠવ્યા હતા.આ પ્રસંગે ઉપસ્થિત ધારાસભ્ય નિમિષાબેન સુથારે પણ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં શિક્ષકોની સમર્પિત સેવાઓને બિરદાવી હતી.
જિલ્લા પંચાયત પ્રમુખ નીરજભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ સમારોહમાં શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.દીપ પ્રાગટ્ય અને વંદે માતરમ્ ગાન સાથે શરૂ થયેલા આ સમારોહમાં જિલ્લા શિક્ષણાધિકારીએ સ્વાગત પ્રવચન કર્યું હતું તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી.
આ પ્રસંગે શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય યોગદાન આપનાર તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકો તરીકે કિરીટકુમાર રમણભાઈ વરીયા (ઉપશિક્ષક, ચાંપાનેર પ્રાથમિક શાળા, તા. હાલોલ), દક્ષેશકુમાર ભુપેન્દ્રસિંહ પટેલ (આસિ. શિક્ષક, હરિજાંબા પ્રાથમિક શાળા, તા.ગોધરા) અને ચિરાગભાઈ અરવિંદભાઈ વરીઆ(આસિ.શિક્ષક, કાલિયાકુવા પ્રાથમિક શાળા, તા. ગોધરા) તથા જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પ્રકાશભાઈ સોમાભાઈ રાઠવા (આસિ.શિક્ષક, ખૂંટીયા પ્રાથમિક શાળા, તા.જાંબુઘોડા)ને એવોર્ડ આપી વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત સમારોહમાં શ્રેષ્ઠ શાળા, તેજસ્વી વિદ્યાર્થીઓ અને પ્રશંસનીય કામગીરી કરનાર કર્મયોગીઓનું પણ સન્માન કરાયું હતું.આ કાર્યક્રમનું સમાપન આભાર વિધિ તથા રાષ્ટ્રગાન સાથે કરવામાં આવ્યું હતું.



