કાનૂની સેવા સત્તામંડળ અને વહીવટી તંત્ર ભરૂચના સંયુક્ત ઉપક્રમે રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના એક્ઝિક્યુટિવ ચેરમેન જસ્ટિસના અધ્યક્ષસ્થાને મેગા કેમ્પ યોજાયો

SHARE:

– સરકારી યોજનાઓ અને સમાજના છેવાડાના માનવી વચ્ચે પેરા લીગલ વોલન્ટિયર્સ મહત્વપૂર્ણ કડી રૂપ છે : જસ્ટિસ એ.વાય.કોગજે 

ભરૂચ,

નાગરિકો સુધી કાનૂની સહાય અને વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો સરળતાથી પહોંચી શકે તે હેતુથી જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, ભરૂચ તથા જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચના સંયુક્ત ઉપક્રમે નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના એક્ઝિક્યુટિવ ચેરમેન નામદાર જસ્ટિસ એ.વાયકોગજેના અધ્યક્ષસ્થાને રોટરી ક્લબ ભરૂચ ખાતે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પ દરમિયાન રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) ની વિવિધ યોજનાઓ તેમજ રજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ હેઠળ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રતિકાત્મક પ્રમાણપત્રો અને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ બાદ જસ્ટિસ તથા ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ સરકારી વિભાગો દ્વારા બનાવવામાં આવેલા પ્રદર્શન સ્ટોલ્સની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી.

આ તકે નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના એક્ઝિક્યુટિવ ચેરમેન એ.વાય.કોગજે એ ઉપસ્થિતોને સંબોધતા કહ્યું હતું કે, નાલ્સા એ રાષ્ટ્રીય સ્તરની સંસ્થા છે જે નવી દિલ્હી ખાતેથી કાર્ય કરે છે.તેના માર્ગદર્શન હેઠળ દરેક રાજ્યમાં સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટી કામ કરે છે, જેમ કે આપણા ગુજરાતમાં ‘ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટી’. આ જ શ્રૃંખલાના ભાગરૂપે દરેક જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસીસ ઓથોરિટી (DLSA) કાર્યરત હોય છે અને આજે આપણે ભરૂચ ખાતે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસીસ ઓથોરિટી દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત થયા છીએ.લાભાર્થીઓ સુધી સુવિધાઓ પહોંચાડવા માટે નાલ્સા (NALSA – National Legal Services Authority) દ્વારા વિશેષ યોજનાઓ બનાવવામાં આવે છે.સરકાર દ્વારા સમાજના કલ્યાણ માટે ઘણી બધી યોજનાઓ બહાર પાડવામાં આવે છે. સમાજના છેવાડાના માનવી સુધી પહોંચવા માટે—પછી તે શિક્ષણ ક્ષેત્રે હોય, આર્થિક મદદ હોય, વિકલાંગતા માટેની સહાય હોય કે નોકરી અંગેનું માર્ગદર્શન હોય—દરેક માટે કોઈ ને કોઈ યોજના બનાવવામાં આવેલી છે. સરકાર આ યોજનાઓનો પ્રચાર-પ્રસાર કરીને લોકો સુધી માહિતી પહોંચાડવાનો પૂરતો પ્રયત્ન કરે છે.સમાજ અને સરકારી યોજનાઓ વચ્ચે કડીરૂપ બનીને કામ કરતી સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ જો કોઈ હોય, તો તે છે પેરા લીગલ વોલન્ટિયર્સ આ પેરા લીગલ વોલન્ટિયર્સ બીજું કોઈ નહીં પરંતુ આપણી જ વચ્ચેથી, આપણા સમાજમાંથી જ આવતા લોકો છે.તેમાં યુવાનો પણ છે અને અનુભવી વડીલો પણ છે. તેઓ સામાન્ય વસ્ત્રોમાં આપણી આસપાસ જ હાજર હોય છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ પર સંકટ કે મુશ્કેલી આવે, ત્યારે તેમને એ ખબર હોવી જોઈએ કે મદદ માટે કયો દરવાજો ખટખટાવવો. પેરા લીગલ વોલન્ટિયર્સ એ દરવાજો ખટખટાવવામાં સામાન્ય માણસની પૂરેપૂરી મદદ કરે છે.સરકારનો પણ એ જ મુખ્ય હેતુ હોય છે કે જે યોજનાઓ પાછળ નાણાં ખર્ચવામાં આવે છે, તેનો સીધો લાભ ખરા અર્થમાં લાભાર્થીઓ સુધી પહોંચે.સરકારને સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટી અને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસીસ ઓથોરિટી પર પૂરો વિશ્વાસ છે કે આ એવાં માધ્યમ છે જેના દ્વારા યોજનાઓનો સીધો લાભ લોકો સુધી પહોંચે છે. તેથી જ તમે પણ પૂરો વિશ્વાસ રાખી શકો છો કે પેરા લીગલ વોલન્ટિયર્સ મારફતે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસીસ ઓથોરિટી પાસે પહોંચેલી તમારી સમસ્યાઓ અને કામ ચોક્કસપણે પૂરા થશે.

આ પ્રસંગે, નામદાર મુખ્ય જિલ્લા ન્યાયાધીશ જે આર શાહ, ડીએલએસએ સેક્રેટરી પી.પી.મોકશી, ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા,નિવાસી અધિક કલેક્ટર આર.બી.ભોગાયતા, પ્રાંત અધિકારી મનિષા મનાણી, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, કાનૂની સેવા સત્તામંડળના સભ્યો, પેરા લીગલ વોલન્ટિયર્સ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!