– ગણેશ ચતુર્થી નિમિત્તે ગણપતિની સ્થાપના માટે ઓટલો બનાવવાની સેવામાં આવવાનું કહેવા ગયેલા યુવકને રમતમાં વ્યસ્ત યુવકે માથામાં બેટ માર્યુ
(વિજય વસાવા,નેત્રંગ)
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના વાંકોલ ખાતે રહેતા દર્શનાબેન વસાવાના પતિ દિપકભાઈ વસાવા ગામના અન્ય યુવાનો સાથે ગામમાં ભાથીજીના મંદિરે ગણેશ સ્થાપના માટે ઓટલો બનાવવાની કામગીરી કરી રહ્યા હતા.આ કામ માટે વધુ માણસોની જરૂર હોવાથી દિપકભાઈ તથા ગામના અન્ય યુવાનો ગતરોજ તા.૬ ના રોજ સાંજના ચાર વાગ્યાના અરસામાં નજીકમાં આવેલા ક્રિકેટ મેદાન પર રમતા યુવાનોને બોલાવવા ગયા હતા.દિપકભાઈએ મેદાન પર ક્રિકેટ રમી રહેલા યુવકોને રમત બંધ કરી મંદિરના કામે આવવા વિનંતી કરી હતી.આ દરમ્યાન બેટિંગ કરી રહેલા રણજીતભાઈ રાજેશભાઈ વસાવાએ “મારી બેટિંગ ચાલુ છે,પછી આવીશું” તેમ કહી જવાનું કહ્યું હતું.તેમ છતાં સાથે તે લોકોએ સાથે આવવા જીદ કરતા રણજીત વસાવા એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાના હાથમાં રહેલા લાકડાના ક્રિકેટ બેટ વડે દિપકભાઈના માથાના ભાગે જોરથી સપાટો મારી દીધો હતો. હુમલાના કારણે દિપકભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થતા બેભાન થઈ ઢળી પડ્યા હતા.ઈજાગ્રસ્તને તાત્કાલિક એમ્બુલન્સ મારફતે નેત્રંગ સરકારી દવાખાને લઈ જવાયા હતા.જ્યાંથી વધુ સારવાર અર્થે અંકલેશ્વર ખાતે લઈ જવામાં આવ્યા હતા.તબીબોના જણાવ્યા મુજબ ઈજાગ્રસ્તના માથામાં અંદર ડાબા કાનની ઉપરના ભાગે ફેક્ચર જેવી ગંભીર ઈજા પહોંચી હતી.ઘટના સંદર્ભે ઈજાગ્રસ્ત દિપક વસાવાની પત્ની દર્શનાબેન વસાવાએ નેત્રંગ પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે રણજીત રાજેશભાઈ વસાવા સામે ગુનો નોંધી કાયદેસર તપાસ હાથધરી હતી.



