– સેવા સેતુ ૨.૧ના પ્રથમ તબક્કામાં ૧૯ સપ્ટેમ્બર સુધી લાભાર્થીઓને લાભ આપવા જરૂરી દસ્તાવેજોની કામગીરી પૂર્ણ કરાશે
– જિલ્લા કલેક્ટર ડૉ.નવનાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને સેવા સેતુ ૨.૧ના સુચારૂ આયોજન અંગે બેઠક યોજાઈ
– જનકલ્યાણનો અભિગમ દાખવી તંત્ર અને જનપ્રતિનિધિઓના સહિયારા પ્રયાસોથી દરેક પાત્રતા ધરાવતા વ્યક્તિ સુધી લાભ પહોંચાડવવા અનુરોધ કરતા જિલ્લા કલેક્ટર
ભરૂચ,
રાજ્ય સરકારની વ્યક્તિલક્ષી કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી સરળતાથી પહોંચાડવાના હેતુથી નવીન કાર્યપદ્ધતિના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં ૨૧ સપ્ટેમ્બરથી ૯ ઓક્ટોબર, ૨૦૨૬ દરમ્યાન સેવા સેતુ ૨.૧ ગ્રામ્ય યોજાશે.સેવા સેતુ અંતર્ગત વિવિધ સરકારી સેવાઓ અને વ્યક્તિલક્ષી કલ્યાણકારી યોજનાઓનો લાભ લાભાર્થીઓને તેમના નજીકના સ્થળે મળી રહે તે માટે આયોજન કરવામાં આવ્યું છે.
સેવા સેતુ ૨.૧ ગ્રામ્યના પ્રથમ તબક્કા અંતર્ગત ૧૯ સપ્ટેમ્બર સુધી લાભાર્થીઓને વિવિધ યોજનાઓનો લાભ આપવા માટે જરૂરી દસ્તાવેજો તૈયાર કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. ત્યાર બાદ જિલ્લા પંચાયતની બેઠક તેમજ તાલુકા દીઠ કલસ્ટર બનાવી સેવા સેતુ કાર્યક્રમ યોજી, વિવિધ સરકારી યોજનાઓનો લાભ પાત્ર લાભાર્થીઓને આપવામાં આવશે.
સેવા સેતુ ૨.૧ ગ્રામ્યના સફળ અને સુચારૂ આયોજન માટે જિલ્લા કલેક્ટર ડૉ.નવનાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને ભરૂચ ખાતે બેઠક યોજાઈ હતી.બેઠકમાં જિલ્લા કલેક્ટરે સેવા સેતુ શરૂ થાય તે પહેલાંના પ્રથમ તબક્કામાં જ જરૂરી સેવાઓની કામગીરી પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી.તંત્ર અને જનપ્રતિનિધી સાથે રહીને પાત્રતા ધરાવતા તમામને લાભ મળે તેવો પ્રયત્ન કરવા જણાવ્યું હતું.સાથો સાથ સેવાસેતુ કાર્યક્રમ અન્વયે વધુમાં વધુ લોકોમાં જાગૃતિ આવે અને પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓ આ કાર્યક્રમનો લાભ લે તે માટે વિશેષ કામગીરી કરવા જણાવ્યું હતું.તંત્ર અને જનપ્રતિનિધિઓએ પરસ્પર સમન્વયથી કાર્ય કરી પાત્રતા ધરાવતા તમામ લોકોને યોજનાકીય લાભો મળે તે માટે પ્રયાસો કરવા સાથોસાથ, સેવાસેતુ કાર્યક્રમનો વ્યાપક પ્રચાર-પ્રસાર કરી લોકોમાં જાગૃતિ લાવવા તેમજ મહત્તમ લાભાર્થીઓ આ કાર્યક્રમમાં જોડાઈને લાભ મેળવે તે માટે વિશેષ રૂપે કામગીરી કરવા તાકીદ કરવામાં આવી હતી.
પ્રથમ તબક્કામાં તમામ ગામોમાં આધાર નોંધણી અને આધારમાં સુધારા, આઈ.સી.ડી.એસના બાળકોના આધાર કાર્ડ, રેશનકાર્ડ સંબંધિત સેવાઓમાં નામ દાખલ કરવા, નામ કમી કરવા તેમજ સુધારા અને ઈ-કે.વાય.સી જેવી સેવાઓ સુનિશ્ચિત કરવા જણાવાયું હતું.
આ ઉપરાંત ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, મહેસૂલી રેકર્ડમાં વારસાઈની એન્ટ્રી, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને તેને સંબંધિત યોજનાઓ, બેન્કિંગ સંબંધિત સેવાઓ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, સોઈલ હેલ્થ કાર્ડ, માતૃશક્તિ, નમોશ્રી, આઈસીડીએસ બાળકોના આધાર કાર્ડ, ખાતેદાર ખેડૂતના નમૂના નં. ૭/૧૨ સાથે આધારકાર્ડનું જોડાણ તથા કિસાન ક્રેડિટ કાર્ડ સહિતની કુલ ૧૨ સેવાઓમાં પાત્ર લાભાર્થીઓને લાભ મળે તે માટે પૂર્વ તૈયારીઓ હાથ ધરવામાં આવશે.
જિલ્લા કલેક્ટરે રાજ્ય સરકારના પરિપત્ર મુજબ સેવા સેતુ ૨.૧ના પ્રથમ તબક્કાની કામગીરી સમયમર્યાદામાં ૧૦૦ ટકા પૂર્ણ કરવા તેમજ ત્યાર બાદ કેમ્પ દરમ્યાન હાથ ધરાનારી બીજા તબક્કાની કામગીરીનું પણ સુચારુ આયોજન કરી દરેક પાત્ર લાભાર્થી સુધી યોજનાનો લાભ પહોંચે તે સુનિશ્ચિત કરવા અધિકારીઓને સૂચના આપી હતી.
આ બેઠકમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,ભરૂચ નગર પાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા, નિવાસી અધિક કલેક્ટર આર.બી.ભોગાયતા, પ્રાંત અધિકારી મનિષા મનાણી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ તેમજ તાલુકા કક્ષાએથી તાલુકાકક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




