– નાના અને મોટા ગણેશ પંડાલોમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે શ્રીજીની સ્થાપના
(ભાવેશ પંડ્યા,ભાલોદ)
દુંદાળા દેવ ભગવાન શ્રી ગણેશની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવનો આજે ભરૂચ જિલ્લા સહિત ઝઘડિયા તાલુકામાં ભક્તિભાવ અને ભારે ઉત્સાહ સાથે પ્રારંભ થયો હતો.ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે ભાલોદ ગામમાં વિવિધ વિસ્તારોમાં આવેલા નાના-મોટા ગણેશ પંડાલોમાં વિઘ્નહર્તા દાદાની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી હતી.
ગામમાં વહેલી સવારથી જ ગણેશભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આયોજકો દ્વારા શુભ મુહૂર્તમાં વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિ-વિધાન સાથે ભગવાન શ્રી ગણેશની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી ગણેશ મહોત્સવને લઈને વિવિધ ગણેશ મંડળો દ્વારા સુંદર અને આકર્ષક પંડાલો તૈયાર કરવામાં આવ્યા છે.પંડાલોને રંગબેરંગી લાઈટિંગ, ફૂલો તથા વિવિધ પ્રકારના સુશોભનથી શણગારવામાં આવ્યા છે.
આગામી દસ દિવસ સુધી ગણપતિ દાદાની નિયમિત પૂજા-અર્ચના,આરતી અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. ગણેશ મંડળોના આયોજકો તેમજ ગ્રામજનો દ્વારા ગણપતિ દાદાની સેવા-પૂજા કરી ધન્યતા અનુભવવામાં આવશે.
ગણેશ મહોત્સવના આગમન સાથે સમગ્ર ભાલોદ સહિતનો ગ્રામ્ય વિસ્તાર આગામી દસ દિવસ સુધી ગણેશમય બની રહેશે. ઠેર-ઠેર ગણેશ પંડાલોમાં ભક્તિપૂર્ણ વાતાવરણ જોવા મળશે અને “ગણપતિ બાપ્પા મોરિયા”ના જયઘોષથી ગુંજી ઊઠશે.




