– અન્ય બાળકો સાથે રમતી વેળા ઊંધા માથે ગટરની કુંડીમાં પડી હતી : માતાને જાણ થતા તાત્કાલિક દોડી આવી બાળકીને બેભાન હાલતમાં સારવાર હેઠળ ખાસેડાય હતી
– ગ્રામ પંચાયતની લાપરવાહીના કારણે બાળકીએ જીવ ગુમાવ્યો હોવાનો માતાનો આક્ષેપ : જવાબદારો સામે પગલાં ભરવા માંગ ઉઠી
(વિજય વસાવા,નેત્રંગ)
વાલિયાના મોદલીયા ગામમાં ઘર આંગણે રમતી બાળકી ખુલ્લી ગટરમાં પડતા તેને બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી.
ભરૂચ જીલ્લાના વાલીયા તાલુકાના મોદલીયા ગામના પીપળી ફળિયામાં રહેતી પુષ્પાબેન અશોકભાઈ વસાવાની 4 વર્ષની દીકરી આરોહી પોતાના ઘર પાસે અન્ય બાળકો સાથે રમી રહી હતી.તે દરમ્યાન ઘર આંગણે રહેલી ખુલ્લી ગટરમાં ઊંધા માથે પડી ગઈ હતી.આ અંગેની જાણ માતાને થતા તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને બાળકીને બહાર કાઢતા બાળકીને બેભાન હાલતમાં જણાતા પ્રથમ નેત્રંગ અને ત્યાર બાદ રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.જ્યાં તેનું ટૂંકી સારવાર દરમ્યાન મોત નીપજતા પરિવારજણોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.બનાવ અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.
મૃતક બાળકીની માતાએ આક્ષેપ કર્યા હતા કે ગ્રામ પંચાયત દ્વારા ગટર લાઈન બનાવ્યા બાદ ખુલ્લી રાખતા લાપરવાહીને પગલે આ ઘટના બની છે.જેથી જવાબદારો સામે પગલાં ભરવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે.




