ભરૂચ,
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૬મા જન્મદિવસની ભરૂચ, વાગરા ના ભાડભૂત ગામ ખાતે સેવા, સંસ્કાર અને રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી છે.વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરુણસિંહ રણાના આયોજન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં ધાર્મિક અનુષ્ઠાનથી લઈને રક્તદાન, વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન સહિતના વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાયા છે.નર્મદા કિનારે ૭૬ નાવડીઓના સથવારે દીપ પ્રગટાવી નર્મદા મૈયાને દીપ અર્પણ કરવાનો પણ વિશેષ કાર્યક્રમ યોજાયો છે.
ભરૂચના ભાડભૂતમાં નર્મદા કિનારો… ભક્તિ અને રાષ્ટ્રભાવનાના માહોલથી ગુંજી ઉઠ્યો.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૬મા જન્મદિવસ નિમિત્તે વાગરા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય અરુણસિંહ રણા દ્વારા સેવા, સંસ્કાર અને રાષ્ટ્રપ્રેમ ની ભાવના સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમની શરૂઆતથી પૂર્ણાહુતિ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે મહામૃત્યુંજય જપનું અનુષ્ઠાન યોજાયું છે.સાથે સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભજનની રમઝટ પણ જોવા મળી રહી હતી.
જન્મદિવસની ઉજવણીને સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડતા બપોરે ૩ વાગ્યે મહા રક્તદાન શિબિર યોજાઈ હતી.૭૬મા જન્મદિવસના પ્રતીકરૂપે ૭૬ રક્તદાતાઓના રક્તદાનનો સંકલ્પ પણ રાખવામાં આવ્યો છે.બપોરે ૩:૩૦ કલાકે ૭૬ વૃક્ષોના રોપણનો કાર્યક્રમ યોજાયો હતો, જ્યારે ૩:૪૫ કલાકે ‘સ્વચ્છતા એ જ સેવા’ના સંદેશ સાથે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું.ત્યાર બાદ ભાડભૂત ખાતે ધાર્મિક માહોલ વચ્ચે બપોરે ૪:૩૦ કલાકે ભાવિકોની કળશ યાત્રા યોજાઈ હતી. મોટી સંખ્યામાં મહિલાઓ અને બાલિકાઓ કળશ લઈને કાર્યક્રમમાં જોડાઈ હતી.સાંજે ૫:૩૦ કલાકે રાષ્ટ્રભક્તિના માહોલ વચ્ચે વંદે માતરમ નું ગાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સાંજે ૫:૪૫ કલાકે નર્મદા મૈયાને શ્રદ્ધાપૂર્વક ચુંદડી અર્પણ કરવામાં આવી હતી.
ભાડભૂતના નર્મદા કિનારે સાંજ પડતા જ ઉજવણીનું મુખ્ય આકર્ષણ જોવા મળ્યું.૭૬ નાવડીઓમાં દીવડા પ્રગટાવી નર્મદા મૈયાને અંદાજે ૪૫૦ મીટરના વિસ્તારમાં દીપ અર્પણ કરવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.સાંજે ૬:૪૦ કલાકે દીપદાન બાદ ૬:૫૦ કલાકે નર્મદા મૈયાની મહાઆરતી અને ત્યારબાદ ૭ વાગ્યે શ્રી ભારેશ્વર મહાદેવની આરતી યોજાઈ હતી.
વાગરા વિધાનસભા મતવિસ્તારના ગામેગામ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે દીવા પ્રગટાવી શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.કાર્યક્રમમાં તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો, ભાજપ સંગઠનના હોદ્દેદારો, મહામંત્રીઓ અને વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ધારાસભ્ય અરુણસિંહ રણાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે તેમના દીર્ઘાયુ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. સેવા સાથે ભક્તિને જોડીને ૭૬ વૃક્ષારોપણ, ૭૬ રક્તદાન અને નર્મદા કિનારે ૭૬ નાવડીઓના સથવારે દીપદાનનું આયોજન કરાયું છે.તેમણે વધુમાં જણાવ્યું કે ભાડભૂત સહિત સમગ્ર ૧૫૧-વાગરા વિધાનસભા મતવિસ્તારમાં ગામેગામ વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને નરેન્દ્ર મોદી દેશ તથા ગુજરાતની સતત સેવા કરતા રહે તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે.




