ભરૂચ,
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સાળંગપુર ગામ નજીક એક જ ઘટનામાં બે યુવાનોના શંકાસ્પદ સંજોગોમાં મોત થતાં તેમજ એકની તબિયત લથડતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.
પ્રાથમિક માહિતી મુજબ અંકલેશ્વરના સાળંગપુર વિસ્તારમાં લાકડાના ડેનશામાં મજૂરી કરતા જીતાલીના યુવાનોએ કોઈ નશાકારક પદાર્થનું સેવન કર્યું હોવાની આશંકા છે.ત્યાર બાદ તેઓની તબિયત લથડી હતી જેમાં બે યુવાનો ફરમાન અલી અને રાહુલસીંગના મોત થયા છે જ્યારે એક યુવાનની હાલત ગંભીર બનતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.ઘટનાની જાણ થતાં ભરૂચ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો સાળંગપુર ગામ નજીક પહોંચ્યો હતો.પોલીસે મૃતદેહોને કબ્જે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.સાથે જ ઘટના સ્થળ અને આસપાસના વિસ્તારમાં તપાસ શરૂ કરી છે.યુવાનોએ કયા પદાર્થનું સેવન કર્યું હતું અને તેના કારણે જ મોત થયા છે કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તે અંગે હાલ સ્પષ્ટતા થઈ નથી.
હાલ પોલીસ દ્વારા યુવાનો સાથે રહેલા લોકો તેમજ સ્થાનિકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.યુવાનોએ કયો પદાર્થ લીધો હતો,તે ક્યાંથી મેળવ્યો હતો અને ચારેયની તબિયત લથડવા પાછળનું ચોક્કસ કારણ શું છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.હાલ પ્રાથમિક તબક્કે નશાકારક પદાર્થના સેવનને કારણે તબંને યુવાનોના મોત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.



