વાગરાના ચીમન ચોકમાં એક્સપાયરી માલનો ખેલ? બાળકની તબિયત બગડતાં ખુલ્યો સાવરિયા જનરલ સ્ટોરનો કિસ્સો

SHARE:

– ગ્રાહકનો કડક કાર્યવાહીની માંગ સાથે આક્ષેપ!

ભરૂચ,

વાગરા તાલુકાના ચીમન ચોક વિસ્તારમાં આવેલી સાવરિયા જનરલ સ્ટોર સામે ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. વાંતા વિસ્તારના એક ગ્રાહકે દાવો કર્યો છે.

વાગરા તાલુકાના ચીમન ચોક વિસ્તારમાં આવેલી સાવરિયા જનરલ સ્ટોર સામે ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. વાંતા વિસ્તારના એક ગ્રાહકે દાવો કર્યો છે કે, દુકાનમાંથી ખરીદેલા ગાંઠિયાના પેકેટમાં એક્સપાયરી ડેટનો ટેગ કાઢી નાખવામાં આવ્યો હતો. પેકેટ ખાધા બાદ બાળકને અચાનક ઉલ્ટીઓ શરૂ થતાં પરિવાર ચોંકી ઉઠ્યો અને ત્યારબાદ પેકેટની તપાસ કરતાં આ સમગ્ર મામલો સામે આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ગ્રાહકના જણાવ્યા મુજબ, પેકેટ પર લગાવેલો એક્સપાયરી ડેટનો સ્ટિકર રીતસરનો કાઢી લેવામાં આવ્યો હતો. આ જોઈ પરિવાર દુકાન પર પહોંચ્યો અને દુકાનદારન પાસે જવાબ માંગ્યો હતો. ગ્રાહકના આક્ષેપ મુજબ દુકાનદારે ભૂલથી આપી દીધું હશે કહીને વાત ટાળવાનો પ્રયાસ કર્યો હતો. મામલો ગંભીર બનતાં ગ્રાહકે તરત જ 112 ઇમરજન્સી સેવા પર કોલ કર્યો હતો. કોલ મળતા જ પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી અને પ્રાથમિક કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ ફૂડ વિભાગને પણ જાણ કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રો તરફથી જણાવાયું હતું.આ ઘટનાનો સૌથી ચિંતાજનક પાસો એ છે કે સાવરિયા જનરલ સ્ટોરમાંથી વાગરા તાલુકાના અનેક નાના વેપારીઓ હોલસેલમાં માલ ખરીદે છે. જો ખરેખર એક્સપાયરી માલનું વેચાણ થતું હોય તો તેનો ભોગ માત્ર એક પરિવાર નહીં પરંતુ સમગ્ર તાલુકાના ગ્રાહકો બની શકે છે.

વાંતા વિસ્તારના રહેવાસી શાહરુખ સલીમ શેખએ જવાબદાર દુકાન સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારાઓ સામે માત્ર ચેતવણી નહીં પરંતુ કડક પગલાં લેવાં જોઈએ. તો બીજી તરફ, દુકાનના સંચાલક સુરેશભાઈ કુમાવતએ પોતાનો પક્ષ રજૂ કરતાં જણાવ્યું કે સંબંધિત માલ કાઢીને સાઈડમાં મૂકેલો હતો. અને તેઓ દુકાન પર હાજર ન હોતા. તેમના કહેવા મુજબ છોકરાએ ભૂલથી તે પેકેટ આપી દીધું હશે અને ભવિષ્યમાં આવી ભૂલ ફરી નહીં થાય તેમ કહી તેઓએ ભૂલ સ્વીકારી માફી માંગી હતી.

આ સમગ્ર ઘટનામાં સૌથી મોટો સવાલ તંત્રની કામગીરી સામે ઊભો થયો છે. પોલીસ દ્વારા ફૂડ ઇન્સ્પેક્ટર અને વાગરા મામલતદાર કચેરીને જાણ કરવામાં આવી હોવા છતાં કલાક ઉપરનો સમય વીતી ગયા છતાં વાગરા મામલતદાર કે ફૂડ વિભાગની કોઈ ટીમ સ્થળ પર પહોંચી ન હોવાનું સ્થાનિકોનો આક્ષેપ છે. લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે જ્યારે બાળકની તબિયત બગડવાનો મામલો સામે આવ્યો છે. ત્યારે જવાબદાર વિભાગો હજુ સુધી કેમ નિષ્ક્રિય છે? સ્થાનિકોમાં માંગ ઉઠી છે કે દુકાનમાં રહેલા તમામ ખાદ્યપદાર્થોની તાત્કાલિક તપાસ કરવામાં આવે, શંકાસ્પદ માલ જપ્ત કરવામાં આવે અને જો એક્સપાયરી માલ વેચાણની હકીકત સામે આવે તો જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે.

એક્સપાયરી માલ વેચાણના આક્ષેપો બાદ આખરે તંત્ર હરકતમાં આવ્યું હતું. વાગરા મામલતદારની ટીમ, રેવન્યુ તલાટી સહિતના અધિકારીઓ સાવરિયા જનરલ સ્ટોર પર પહોંચી સમગ્ર મામલાની તપાસ હાથ ધરી હતી. દુકાનમાં રહેલા ખાદ્યપદાર્થોની પ્રાથમિક ચકાસણી કરવામાં આવી અને ફૂડ વિભાગની કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી દુકાન બંધ રાખવાનો સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો હતો.અધિકારીઓએ જણાવ્યું કે ફૂડ વિભાગ સેમ્પલ લઈને તપાસ પૂર્ણ કરે ત્યાં સુધી કોઈપણ પ્રકારનું વેચાણ નહીં થાય. સ્થાનિકોમાં માંગ ઉઠી છે કે તપાસ માત્ર ઔપચારિકતા ન રહે, પરંતુ જો નિયમભંગ સાબિત થાય તો જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!