– બ્લેકલિસ્ટ કરીને નાણાં રિકવર કેમ ના કરવા તે અંગે એજન્સીનો ખુલાસો પૂછાયો
ભરૂચ,
અંકલેશ્વર નગરપાલિકા હેઠળ કાર્યરત ધન કચરા વ્યવસ્થાપન . પ્રોજેક્ટમાં મોટા પાયે ગેરરીતિ અને ભષ્ટાચાર સામે આવ્યા બાદ પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી સુરત દ્વારા કડક વહીવટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઓપરેશન અને મેઈન્ટેનન્સની કામગીરી સંભાળતી ઈન્દોરની એજન્સી મેસર્સ વન સ્ટેપ કન્સલ્ટન્સી સર્વિસ LLP ને પ્રથમ કારણદર્શક નોટિસ પાઠવ્યા બાદ પણ કોઈ ખુલાસો કે પુરાવા રજૂ ન કરાતા કમિશ્નર કચેરી દ્વારા બીજી આકરી નોટિસ ફટકારીને કરાર રદ કરવા, બ્લેકલિસ્ટ કરવા તેમજ ચૂકવાયેલી રકમની વ્યાજ અને દંડ સાથે રિકવરી કેમ ન કરવી તે અંગે સ્પષ્ટતા માંગવામાં આવી છે.સુરત પ્રાદેશિક કમિશનર કચેરી દ્વારા અંકલેશ્વર સ્થિત સોલિડ વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટની પ્રત્યક્ષ સ્થળ તપાસણી કરવામાં આવી હતી.આ તપાસ દરમ્યાન ટેન્ડરની શરતોનું ઉલ્લંઘન, જરૂરી મશીનરી અને તેના જીએસટી બિલોનો અભાવ, શ્રમ કાયદા અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પર્યાવરણીય નિયમોનો ભંગ જણાયો હતો.આ ઉપરાંત સ્થળ પર ફાયર સેફ્ટીની ગંભીર બેદરકારી, પ્રોસેસ થયેલા કચરાના વેચાણના રેકોર્ડનો અભાવ અને વીજ વપરાશ તથા નિકાલ કરાયેલા કચરા વચ્ચે ગંભીર વિસંગતતાઓ સામે આવી હતી.તપાસ અહેવાલ મુજબ ડિસેમ્બર ૨૦૨૫ થી માર્ચ ૨૦૨૬ દરમિયાન વીજળી વપરાશ સતત ઘટ્યો હતો.પરંતુ તેની સામે કચરા નિકાલનો આંકડો ૧૨૦૪ મેટ્રિક ટનથી વધારીને ૧૪૨૫ મેટ્રિક ટન દર્શાવવામાં આવ્યો હતો.ત્યાર બાદના મહિનાઓમાં વીજ વપરાશમાં મોટો ઉછાળો જોવા મળ્યો પરંતુ કચરાનો જથ્થો ઓછો દર્શાવાયો હતો.વાસ્તવિક કામગીરી વગર જ ખોટા બિલો રજૂ કરીને સરકારી નાણાંનો ભ્રષ્ટાચાર કરાયો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સાબિત થાય છે.અગાઉ ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ ૪ દિવસની છે.
સમયમર્યાદા સાથે નોટિસ આપવા છતાં એજન્સીએ કોઈ જવાબ આપ્યો ન હતો જે દર્શાવે છે કે એજન્સી પાસે બચાવમાં કોઈ યોગ્ય ખુલાસો નથી.આથી અધિક કલેક્ટર અને પ્રાદેશિક કમિશ્નર કચેરી દ્વારા એજન્સીને કાયમી ધોરણે બ્લેકલિસ્ટ કરવા, સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત કરવા અને ડિસેમ્બર ૨૦૨૫ થી એપ્રિલ ૨૦૨૬ સુધી ચુકવવામાં આવેલી સંપૂર્ણ રકમ વ્યાજ અને દંડ સાથે વસૂલ કરવા અંગે ૩ દિવસમાં આખરી ખુલાસો આપવા આદેશ કરાયો છે.આ સાથે જ અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફ્સિરત્તે એજન્સીના તમામ ચૂકવણાં અટકાવી દેવા અને આ ગેરરીતિમાં સામેલ તત્કાલીન જવાબદાર અધિકારીઓ સામે રિપોર્ટ સોંપવા સૂચના આપવામાં આવી હતી.
અંકલેશ્વર નગરપાલિકાના સોલિડ વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટના કૌભાંડ અંગે પ્રતિક્રિયા આપતા પાલિકાના પૂર્વ પ્રમુખ ભુપેન્દ્ર જાનીએ ગંભીર આશંકા વ્યક્ત કરી છે.તેમણે જણાવ્યું હતું કે તપાસ એજન્સી અને વડી કચેરીએ આ કૌભાંડ સાથે સંકળાયેલા જૂના તમામ દસ્તાવેજો તથા હિસાબી ડોક્યુમેન્ટ્સ તાત્કાલિક પોતાના હસ્તક લઈ લેવા જોઈએ.જો આ પુરાવાઓ અને રેકોર્ડ સમયસર કબજે કરવામાં નહીં આવે તો દસ્તાવેજો સાથે છેડછાડ કે ગેરરીતિ થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે.




