– ગામની નવીનગરીમાં ચાલતા રોડની કામગીરી સમયે થયેલ બોલાચાલીની અદાવતે થયેલ ઝઘડો પોલીસ મથકે પહોંચ્યો
(જ્યશીલ પટેલ,ઝઘડિયા)
ઝઘડિયા તાલુકાના વણાકપોર ગામમાં તા.૩ ઓક્ટોબરની રાત્રે ભાથીજી મંદિર પાસે થયેલી મારામારી મામલે રાજપારડી પોલીસ મથકે બન્ને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી છે.બન્ને ફરિયાદોમાં લાકડી-પથ્થરથી હુમલો, ઢીકાપાટુનો માર અને જાનથી મારી નાખવાની ધમકીના આક્ષેપો કરવામાં આવ્યા છે.
પ્રથમ ફરિયાદની વિગતો મુજબ વણાકપોર ગામનો શૈલેશભાઈ વસાવા નામનો ૨૫ વર્ષીય યુવક તા.૩ જીના રોજ રાતના આઠ વાગ્યે તેના મિત્ર જીગ્નેશભાઈ હરેશભાઈ વસાવા રહે.વણાકપોર સાથે ગામના ભાથીજી મંદિર પાસે બેઠો હતો.તે દરમ્યાન કિશનભાઈ ઠાકોરભાઈ વસાવા, નરેનભાઈ સંજયભાઈ વસાવા, ભાવેશભાઈ સોમાભાઈ વસાવા અને સુરજભાઈ સોમાભાઈ વસાવા ત્યાં આવ્યા હતા.તે વખતે અગાઉ નવીનગરીમાં રોડનું કામ ચાલી રહ્યું હતું ત્યારે થયેલી બોલાચાલી બાબતે કિશનભાઈએ શૈલેશભાઈ સાથે ઉગ્ર બોલાચાલી કરી ગાળો આપી અને હાથમાં રહેલી લાકડીનો સપાટો મારી જમણી આંખની બાજુ ઈજા પહોંચાડી હતી.ત્યાર બાદ અન્ય ત્રણ આરોપીઓએ પણ ઢીકાપાટુનો માર માર્યો હોવાનો પોલીસ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો. મારામારી દરમ્યાન શૈલેશભાઈ નીચે પડી જતા પગમાં પણ ઈજા થઈ હતી.બુમાબુમ થતાં તેમના મિત્ર સહિત અન્ય લોકો વચ્ચે પડ્યા હતા.ત્યાર બાદ કિશનભાઈએ ફરીથી આગેવાની કરશે તો જીવતો નહીં રહેવા દેવાની ધમકી આપી હતી.ઈજાગ્રસ્ત શૈલેશને સારવાર માટે અવિધા સરકારી દવાખાને લઈ જવાયો હતો.ઘટના સંદર્ભે રાજપારડી પોલીસ મથકમાં કિશન ઠાકોરભાઇ વસાવા,ભાવેશ સોમાભાઈ વસાવા અને સુરજ સોમાભાઇ વસાવા ત્રણેય રહે.ગામ વણાકપોર તા.ઝઘડિયા તેમજ નરેન સંજયભાઈ વસાવા રહે.ગામ પિપદરા તા.ઝઘડિયાના વિરૂધ્ધ ગુનો નોંધાયો હતો.જ્યારે સામા પક્ષે કિશનભાઈ ઠાકોરભાઈ વસાવાની ફરિયાદ મુજબ, તેઓ ગામના ભાથીજી મંદિર પાસેની દુકાને ગયા હતા ત્યારે શૈલેશભાઈ રમેશભાઈ વસાવા સાથે રસ્તાના કામ દરમ્યાન થયેલી અગાઉની બોલાચાલી બાબતે તકરાર થઈ હતી. શૈલેશભાઈએ કિશનભાઈની ફેટ પકડી ઝપાઝપી કરી, ગાળો આપી અને મંદિરની દિવાલ સાથે માથું અથડાવી ઈજા પહોંચાડી હતી.ઉપરાંત આ ઝઘડામાં અન્ય ત્રણ ઇસમો સંદીપભાઈ રમેશભાઈ વસાવા, રમેશભાઈ (પુરૂ નામ જણાયેલ નથી), મિનેશભાઈ મહેન્દ્રભાઈ વસાવા અને આકાશભાઈ ભરતભાઈ વસાવા તમામ રહે.ગામ વણાકપોર સામે પણ મારામારીમાં જોડાઈ ઢીકાપાટુનો માર માર્યાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો હતો.આ ઝઘડા દરમિયાન શૈલેશભાઈએ નીચે પડેલો પેવર બ્લોકનો પથ્થર કિશનભાઈના માથાના ડાબી બાજુના ભાગે મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. કિશનભાઈને પ્રથમ અવિધા સરકારી દવાખાને સારવાર અપાઈ હતી.ત્યાર બાદ ચક્કર આવતા ફરી સારવાર માટે લઈ જવાયો હતો અને વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો હતો.મારામારીની આ ઘટના સંદર્ભે કિશન ઠાકોરભાઈ વસાવા રહે.ગામ વણાકપોર નાએ શૈલેશ રમેશભાઈ વસાવા,સંદીપ રમેશભાઈ વસાવા,રમેશભાઈ (જેનું પુરૂ નામ જણાયેલ નથી), મિનેશ મહેન્દ્રભાઈ વસાવા તથા આકાશ ભરતભાઈ વસાવા તમામ રહે.ગામ વણાકપોર તા.ઝઘડિયા જી.ભરૂચ ના વિરૂધ્ધ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવી હતી.




